અમદાવાદના ૪૫ વર્ષીય ઉષા કપૂરે તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલા બ્યુટી પેજન્ટમાં મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કવીન ૨૦૨૧ અંતર્ગત મિસિસ ઇન્ડિયા ઓડિસિયસનો ખિતાબ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું હતું. ઓડિસિયસ એટલે ખૂબ સાહસ લેનાર વ્યક્તિ. સ્પર્ધામાં ભારતના વિવિધ રાજ્યોની લગભગ ૧,૨૦૦ મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાંથી માત્ર ૫૪ મહિલાની ફાઈનલમાં પસંદગી કરાઈ હતી. તેમાં ઇન્ટરવ્યૂ રાઉન્ડ, ટેલેન્ટ રાઉન્ડ, ક્વેશ્ચન-આન્સર જેવા ઘણાં રાઉન્ડમાંથી પસાર થયા પછી તેમણે આ ખિતાબ જીત્યો હતો.
ઉષાબહેન કહે છે કે સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યોની ઘણી મહિલાઓએ ભાગ લીધો હતો, જ્યારે ગુજરાતની સંખ્યા ઓછી હતી. જોકે બહેનોએ આગળ આવવું જોઈએ અને આ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લઈને અન્ય મહિલાઓને પ્રેરણા પૂરી પાડવી જોઈએ. મહિલાઓ અને દીકરીઓએ બ્યૂટી અને વેલનેસનાં ક્ષેત્રમાં પોતાની કારકિર્દી ઘડવી જોઈએ તેમ કહીને તેમણે ઉમેર્યું કે સ્ત્રીસહજ મર્યાદા જાળવીને ફેશનેબલ થવું જરા પણ ખોટું નથી. રાધનપુરમાં જન્મેલા અને અમદાવાદમાં એમ. એ. (ઈંગ્લિશ લિટરેચર)નો અભ્યાસ કરીને સ્થાયી થયેલા ઉષા કપૂર વ્યવસાયે કોસ્મેટોલોજિસ્ટ છે. તેઓ બ્યુટી અને વેલનેસ ક્ષેત્રની કંપની ‘અપકેપ’ના પ્રમોટર છે. આયુર્વેદિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવાની સાથે તેઓ સ્કિલ ડેવલપમેન્ટના ક્ષેત્રે પણ કાર્યરત છે. સકારાત્મક વિચારસરણી ધરાવતા ઉષા કપૂર મહિલા સશક્તિકરણનું પ્રેરક ઉદાહરણ છે. તેઓ માને છે કે દરેક સ્ત્રીએ પોતાનો નિર્ણય જાતે લેતા શીખવું જોઈએ.
તેમણે ગુજરાતના વિવિધ જિલ્લાઓની લગભગ ૩૫૦ ગામોની ૨૦,૦૦૦થી વધુ બહેનોને તે ગામોમાં જઈને હેર ડ્રેસિંગ, મેકઅપ તથા અન્ય પ્રવૃત્તિઓની તાલીમ આપીને આત્મનિર્ભર બનાવી છે. તેમના આ કાર્યને બીરદાવીને ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીએ તેમની સાથે કરાર પણ કર્યો છે. તેમાં સખી મંડળ દ્વારા બહેનોને સ્વનિર્ભર કરવા માટે તેમને એક પ્લેટફોર્મ પૂરું પડાયું છે. તેઓ આદર્શ અમદાવાદ, સદવિચાર પરિવાર, એરફોર્સ એસોસિએશન તથા અંધજન મંડળ સાથે પણ સક્રિય રીતે સંકળાયેલા છે. ઉષા કપૂર કહે છે કે અમદાવાદમાં અંધજન મંડળની પ્રજ્ઞાચક્ષુ બહેનોને હેર ડ્રેસિંગ અને મેક અપની ચાર દિવસની તાલીમનો અનુભવ તેમના જીવનનો શ્રેષ્ઠ અનુભવ હતો. તેમણે ઉત્સાહપૂર્વક હેર ડ્રેસિંગ અને મેકઅપની તાલીમ લીધી હતી. કેટલીક બહેનોને તો તેને લગતું કામ પણ મળી ગયું અને તેમણે જ્યારે ઉષા કપૂર સમક્ષ તેનું વર્ણન કર્યું ત્યારે તેમને પોતાની મહેનત સફળ થઈ હોય તેમ લાગ્યું હતું. તેઓ માને છે કે તમે કોઈનું સારું કરશો તો તમારું પણ સારું થશે. ૨૦૦૩માં પ્લે સ્કૂલથી બિઝનેસ કારકિર્દી શરૂ કરનારા ઉષા કપૂરે વ્યાવસાયિક જવાબદારી સાથે કૌટુંબિક જવાબદારીનું ખૂબ સારી રીતે સંતુલન કર્યું છે. તેમના સંયુક્ત પરિવારમાં ૧૮ સભ્યો છે. તેમના પતિ પરેશ કપૂર સફળ ઉદ્યોગસાહસિક છે અને પુત્ર ઇંગ્લેન્ડની હલ યુનિવર્સિટીમાં એન્જીનિયરીંગનો અભ્યાસ કરે છે.