સાઉદી અરબની એક કોર્ટે સામાજિક કાર્યકર લુજૈન અલ હથલૌલને પાંચ વર્ષ આઠ મહિનાની સજા આપી છે. લુજૈન આમ તો છેલ્લા બે વર્ષથી જેલમાં જ છે. સુજૈન પર એવો આરોપ છે કે તે દેશની રાજકીય સ્થિતિ અને નિર્ણયોને બદલવા માગે છે. સાઉદીમાં રાષ્ટ્રની સુરક્ષા માટે તેને જોખમ પણ ગણાવવામાં આવી રહી છે. લુજૈન સામે વધુ પડકારો ત્યારથી શરૂ થયા જ્યારે દેશમાં મહિલાઓને ડ્રાઈવિંગનો અધિકાર અપાવવા માટે તેણે આંદોલન ચલાવ્યું હતું. લુજૈને વર્ષ ૨૦૧૪માં યુએઈ અને સાઉદી અરબ બોર્ડ પર કાર ડ્રાઈવ કરવાનો વીડિયો પણ શેર કર્યો હતો. ત્યાર પછી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પણ તેને ઉદારવાદી માગ ગણાવી અને મહિલાઓને ગાડી ચલાવવાનો અધિકાર આપ્યો હતો.
માર્ચ સુધીમાં છૂટી જશે
લુજૈનને તાજેતરમાં સજા સંભળાવતી વખતે કોર્ટે તેને એક રાહત પણ આપી છે. તે ૧૫ મે ૨૦૧૮થી જેલમાં છે. લુજૈને જેટલો સમય જેલમાં વિતાવ્યો છે તેને પ્રિઝન પિરિયડ એટલે કે સજા જ ગણવામાં આવી છે. કુલ ૫ વર્ષ અને ૮ મહિનાની સજામાંથી આ સમય બાદ કરવામાં આવશે.
મીડિયાના એક અહેવાલ પ્રમાણે, લુજૈન માર્ચના અંત સુધીમાં છૂટી જશે. કારણકે તેની બે વર્ષ અને ૧૦ મહિનાની સજાને સસ્પેન્ડ રાખવામાં આવેલી ગણવામાં આવી હોવાના રિપોર્ટ છે. તે કારણથી જ તે માર્ચના અંત સુધીમાં છૂટી જશે. જોકે તેને છોડવાની સાથે બે શરતો પણ રાખવામાં આવી છે. પહેલી શરત એ કે તે પાંચ વર્ષ સુધી કોઈ અન્ય દેશની યાત્રા નહીં કરે. બીજી શરત એ કે કોઈ પ્રકારના વિરોધ પ્રદર્શન અથવા કેમ્પેઈનમાં સામેલ નહીં થાય.
તે આતંકી નથીઃ લુજૈનની બહેન
લુજૈનને સજાની જાહેરાત થયા પછી લુજૈનની બહેન લીનાએ કહ્યું કે, મારી બહેન એક્ટિવિસ્ટ છે, ટેરરિસ્ટ નહીં. તેને સજા મળવી જોઈએ નહીં. તેને સજા થવી એ ખોટી વાત છે. અમે આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરીશું. તેણે તો તે અધિકારો સામે અવાજ ઉઠાવ્યો છે. લુજૈનની ૨૦૧૪માં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે સાઉદીમાં મહિલાઓને ડ્રાઈવિંગનો હક નહોતો. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પણ લુજૈનની માગ ઉદારવાદી ગણાવી અને મહિલાઓને ગાડી ચલાવવાનો અધિકાર આપ્યો હતો. છતાં લુજૈન ૭૪ દિવસ પોલીસ કસ્ટડીમાં રહી. અમેરિકા અને યુએનના દબાણ પછી તેને છોડવામાં આવી હતી.
બાઈડેને ચિતંત હોવાનું કહ્યું
અમેરિકામાં જો બાઈડેન ૨૦ જાન્યુઆરીએ સત્તા સંભાળવાના છે. માનવધિકારોને લઈને બાઈડેને હંમેશા સખત વલણ અપનાવ્યું છે. અમેરિકન વિદેશી વિભાગે કહ્યું છે કે, લુજૈનને સજા આપવામાં આવી હોવાથી અમે ખરેખર ચિંતિત છીએ. અમને આશા છે કે, તેમને ઝડપથી છોડવામાં આવશે. અમેરિકાના આગામી NSA જૈક સુલિવાને કહ્યું છે કે, અમે રિયાદ સામે આ મુદ્દો ઉઠાવીશું.