લંડન: એક અનોખા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મહિલાઓને પુરુષોના સ્નાયુબદ્ધ શરીર કરતાં તેનાં વ્યક્તિત્વમાં વધુ રસ હોય છે. આ અભ્યાસ લંડનના પ્રખ્યાત ડેટિંગ એક્સપર્ટ હેયનેલ ક્યૂન દ્વારા કરાયો હતો. હેયનેલે પોતાના ત્રણ હેન્ડસમ કહી શકાય તેવા મિત્રોને સાથે રાખીને સ્ટ્રીટમાં ખુલ્લાં શરીર સાથે નીકળી પડયા હતા.
આ દરમિયાન તેમણે એ જાણવાની કોશિશ કરી કે મહિલાઓ તેમના તરફ કેટલી આકર્ષાય છે. આ એક સામાજિક પ્રયોગ હતો, જેમાં જાણવા મળ્યું કે જ્યાં ડેટિંગ એક્સપર્ટ્સ ગયા ત્યાં મહિલાઓએ તેમનાં શરીર પર બહુ ઓછું ધ્યાન આપ્યું. બાદમાં કેટલીક મહિલાઓને આ ત્રણેય પુરુષોના શરીર અંગે પૂછવામાં આવ્યું કે તેમને આ સ્નાયુબદ્ધ શરીર કેવા લાગ્યા. જોકે મોટા ભાગની મહિલાઓનો જવાબ હતો કે પુરુષો માટે મોટા મસલ્સ ધરાવતાં શરીર કરતાં સારું વ્યક્તિત્વ વધુ મહત્ત્વનું છે.
સંશોધક હેયનેલે જણાવ્યું હતું કે મારી પાસે એવા ઘણા પુરુષ ક્લાયન્ટ આવે છે જેઓ એવી ફરિયાદ કરતા હોય છે કે મહિલાઓ મારા પ્રત્યે એટલા માટે નથી આકર્ષાતી કેમ કે મારું બોડી મસલ્સવાળું નથી. શારીરિક રીતે હું આકર્ષક નથી. આ માન્યતાને ખોટી પાડવા માટે જ સંશોધન કરાયું હતું.