ઝારખંડના દાહુ ગામનાં એક મહિલા જીતનદેવી મહિલાઓને વાંસમાંથી વસ્તુઓ બનાવતા શીખવાડે છે અને મહિલાઓને આત્મનિર્ભર બનાવે છે. જીતનદેવીએ વાંસની બનાવટોના વધુ પ્રોડક્શન માટે ઝારખંડ સરકાર પાસે મશીનો માગ્યા છે.
રાચી શહેર નજીક આવેલા દાહુ ગામમાં જીતનદેવી વાંસમાંથી ઘણી બધી આકર્ષક વસ્તુઓ બનાવે છે. તેમણે અન્ય મહિલા કામદારોને પણ આ કામ કરવાની પ્રેરણા આપી છે. ગામના લોકોને ખાસ કરીને મહિલા રોજગારીના નવા અવસર આપવામાં તેમનો મહત્ત્વનો ફાળો છે. હાલમાં તેઓ ઝારખંડ સરકાર પાસે નવા મશીન માગી રહ્યા છે જેથી વધારે પ્રોડક્ટ્સ બની શકે. જીતનદેવી સાથે આશરે ૩૦ મહિલાઓ કામ કરી રહી છે. તેઓ અન્ય ગામમાં જઈને પણ મહિલાઓને વસ્તુઓ બનાવતા શીખવાડે છે.
લોકડાઉન પછી માગ ઓછી
જીતનદેવીએ જોકે અત્યારની પરિસ્થિતિ વિશે કહ્યું કે, કોરોના કાળ અને લોકડાઉન પછી વાંસમાંથી બનેલી પ્રોડક્ટની માગ ઓછી થઈ ગઈ છે. આ સમયે મહિલાઓ સાથે મળીને નવી વસ્તુઓ બનાવી. તેમણે રાજ્ય આજીવિકા સવર્ધન સોસાયટી હેઠળ ટ્રેનિંગ પણ લીધી. જીતનદેવી ઓરિસ્સામાં ૭ વર્ષ રહી વાંસની પ્રોડક્ટ બનાવતા શીખ્યા. ટ્રેનિંગ દરમિયાન તેમને રોજ ૧૦ રૂપિયા મળતા હતા. હાલમાં તેઓ પતિ સાથે અલગ-અલગ જગ્યાએ જઈને પ્રોડક્ટ બનાવવાની ટ્રેનિંગ લે છે.
પહેલાં તેઓ વાંસમાંથી બનાવેલી પ્રોડક્ટ ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયામાં વેચતા હતા. તેઓ વસ્તુઓને મોડર્ન ટચ પણ આપે છે જેથી વસ્તુઓ ૧૦ હજારથી ૧૨ હજાર રૂપિયામાં વેચાય છે. જીતનદેવીએ કહ્યું કે, તેમની બનાવેલી કે તેમની રાહબરીમાં બનાવેલી વસ્તુઓ માટે અલગ-અલગ NGOમાંથી ઓર્ડર પણ મળે છે તેનાથી સારો એવો નફો પણ થાય છે. આ કામ કરીને તેમને ઘણું સન્માન મળ્યું છે. તેઓ અન્ય મહિલાને પણ શીખવાડી આગળ વધી રહ્યા છે.