વોશિંગ્ટનઃ મહિલાઓમાં સારી તંદુરસ્તી માટે વિટામિન ડી બહુ જરૂરી છે. શરીરમાં વિટામિન ડીની ઊણપના કારણે મહિલાઓમાં ઘણા પ્રકારની બીમારીઓનું જોખમ વધી જાય છે. પ્રેગ્નેન્સીથી લઈને ઉંમર વધવાના કારણે મહિલાઓના શરીરમાં વિટામિન ડીની ઊણપ વર્તાવા લાગે છે. એવામાં તંદુરસ્ત રહેવા માટે મહિલાઓએ વિટામિન ડી જરૂરથી લેવું જોઈએ. કુદરતી રીતે તડકામાં બેસીને વિટામિન ડી લઈ શકાય છે.
સવારનો કૂણો તડકો વિટામિન ડીની ઊણપને પૂરી કરવામાં મદદરૂપ થઈ શકે છે. અને જેઓ તડકામાં બેસી શકતા નથી તેઓએ વિટામિન ડીથી ભરપૂર ફૂડ્સને ડાયેટનો હિસ્સો બનાવવો જોઈએ. જેમ કે, સંતરા કે સંતરાનો જ્યૂસ, સોયા દૂધ, ગાયનું દૂધ, પનીર, ઈંડાં અને સાલ્મન માછલી, મશરૂમ અને ટોફૂમાંથી તે મળી શકે છે. વિટામિન ડી હાડકાં અને ઇમ્યૂનિટી માટે બહુ જરૂરી છે. એક હેલ્થ રિસર્ચ અનુસાર જે મહિલાઓના શરીરમાં વિટામિન ડીની ઊણપ હોય છે તેમને હાર્ટફેલ, હાર્ટએટેક, સ્ટ્રોક, ડાયાબિટીસ અને હાઇ બ્લડપ્રેશર જેવી બીમારીઓનું જોખમ વધી જાય છે. ગર્ભાવસ્થામાં જો વિટામિન ડીની ઊણપ સર્જાય તો તેનાથી અનેક સમસ્યા થઇ શકે છે. શરીરમાં વિટામિન ડીની ઊણપથી હાડકાં નબળા પડવા, સાંધામાં દુખાવો અને હાડકાં તૂટવાનું જોખમ વધી જાય છે. વિટામિન ડીની ઊણપના લક્ષણોની વાત કરીએ તો તેમાં વારંવાર બીમાર પડવા કે ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધી જાય છે. આ સિવાય થાક લાગવો, હાડકાં અને પીઠમાં દર્દની ફરિયાદ, ડિપ્રેશન, વાળ ખરવા, સ્નાયુઓનો દુખાવો અને ઘા રૂઝાવવામાં સમય લાગવો વગેરે લક્ષણો જોવા મળે છે. વિટામિન ડીના ફાયદાઓની વાત કરીએ તો તે હાડકાંને મજબૂત બનાવે છે.