ઓસ્લોઃ મહિલાઓમાં 50 વર્ષ જૂના શબ્દો પણ યાદ રાખવાની ક્ષમતા હોય છે અને તેમનું મગજ પુરુષો કરતાં વધુ સક્રિય હોય છે. નોર્વેની બર્ગન યુનિવર્સિટીના એક રિસર્ચમાં આ ખુલાસો થયો છે. સંશોધકોએ પુરુષો અને મહિલાઓના માનસિક કૌશલ્ય અંગેના અનેક વર્ષોના આંકડા એકત્ર કરીને આ તારણ કાઢ્યું છે. વિશ્લેષણ માટે 3.50 લાખથી વધુ સહભાગીઓનો ડેટા એકત્ર કરાયો હતો. અત્યાર સુધીના આ પ્રકારના સૌથી મોટા રિસર્ચના તારણ અનુસાર મહિલાઓમાં બોલવાનું કૌશલ્ય પણ વધારે હોય છે, અને યાદશક્તિ પણ તીવ્ર હોય છે. મહિલાઓ નિશ્ચિત અક્ષરથી શરૂ થતાં નામ અને શબ્દને શોધવામાં તેમજ તેને યાદ રાખવામાં વધુ કુશળ હોય છે. કોઇ રિસર્ચની કમાન મહિલાના હાથમાં હોય તો તેનું નિષ્કર્ષ મહિલાના પક્ષમાં આવે તેવી સંભાવના પ્રબળ હોય છે.
દરમિયાન સ્વીડનની કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટના એક અન્ય રિસર્ચ પ્રમાણે પણ મહિલાઓની યાદશક્તિ તીવ્ર હોય છે. જોકે અપૂરતી ઊંઘ, તણાવ અને ઉંમર વધવાની સાથે આ ક્ષમતા ક્ષીણ પણ થાય છે. તદુપરાંત મહિલાઓ ચહેરા યાદ રાખવામાં તેમજ ગંધ જેવી સંવેદનશીલ યાદોને યાદ કરવામાં પણ કુશાગ્ર હોય છે.