બાર્સેલોનાઃ પુરુષોની સરખામણીએ મહિલાઓને જ્યારે હૃદયરોગનો હુમલો આવે છે ત્યારે તેમના છાતીના દુખાવાના ચિન્હોને ડોક્ટર્સ તણાવ અને ચિંતા સમજીને ખોટું નિદાન કરે તેવી સંભાવના વધી જતી હોવાની ચેતવણી એક અભ્યાસના તારણોને આધારે આપવામાં આવી છે.
સ્પેનના સંશોધનકારોએ છાતીમાં દુખાવા સાથે હોસ્પિટલમાં દાખલ થયેલા ૪૧,૮૨૮ દર્દીઓને આપવામાં આવેલી સારવારનું વિશ્લેષણ કર્યું હતું. તીવ્ર હૃદયરોગના ચિન્હો સાથેના કેસમાં પુરુષોની સરખામણીએ મહિલાઓના બમણા કિસ્સામાં પ્રારંભિક સ્તરે ખોટું નિદાન કરવામાં આવ્યું હતું. જોકે સંશોધકો કહે છે કે હૃદયરોગના હુમલાના આગોતરા સંકેતોને સમજવામાં થાપ ખાનારા લોકોમાં ડોક્ટર્સ એકલા જ ન હતા, બીજા તબીબી સ્ટાફે પણ પરિસ્થિતિનું ખોટું મૂલ્યાંકન કર્યું હતું.
સંશોધકોને જાણવા મળ્યું હતું કે પુરુષોની સરખામણીએ મહિલાઓએ મદદ માંગતા પહેલા ૧૨ કલાક કરતાં વધારે રાહ જોઈ હતી. આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું હુતં કે, હૃદયરોગ સાથેની મહિલાઓ તપાસ માટે પણ પુરુષોની સરખામણીએ વધારે રાહ જુએ તેવી સંભાવના હતી. સ્પેનમાં બાર્સેલોનાના હોસ્પિટલ ક્લિનિક ખાતે કામ કરતા અને સંશોધનના લેખક ગેમા માર્ટિનેઝ કહે છે કે અમારો અભ્યાસ દર્શાવે છે કે છાતીમાં દુઃખાવાના પ્રથમ નિદાનમાં જેન્ડર ગેપ રહે છે. મહિલામાં પીડાની ગંભીરતાને ઓછી આંકવામાં આવે છે. વાસ્તવમાં મહિલામાં પોતાનામાં અને ફિઝિશ્યનમાં એમ બંનેમાં હૃદયરોગની આશંકા ઓછી હોય છે, જે મોડા નિદાન અને ખોટા નિદાનમાં પરિણમવાનાં જોખમમાં વધારો કરે છે.
પોતાના અભ્યાસમાં ડો. માર્ટિનેઝ અને તેમના સહયોગીઓએ ૨૦૦૮થી ૨૦૧૯ વચ્ચે છાતીમાં દુખાવા સાથે હોસ્પિટલના ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટમાં દાખલ થયેલા કુલ ૪૧,૮૨૮ દર્દીઓની વિગતોનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો. કુલ દર્દીઓમાંથી ૪૨ ટકા મહિલાઓ હતી. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓમાં મહિલાઓની સરેરાશ વય ૬૫ વર્ષ હતી. તો પુરુષોની સરેરાશ વય ૫૯ વર્ષની હતી.
દરેક દર્દી માટે સંશોધનકારોએ હૃદયરોગ માટેનાં જોખમી પરિબળો પરની અને કેસને હેન્ડલ કરતા ફિઝિશિયન દ્વારા પ્રારંભિક સ્તરે કરવામાં આવેલા નિદાનની માહિતી એકત્ર કરી હતી. આ તમામ માહિતીનો અભ્યાસ કર્યા બાદ તેઓ એ તારણ પર પહોંચ્યા છે કે મહિલામાં હૃદયરોગના હુમલાને ડોકટર તણાવ-ચિંતા સમજવાની ભૂલ કરી શકે છે.