મહેસાણા: મહેસાણાની યુવા બેડમિન્ટન ખેલાડી તસ્નીમ મીરે અંડર-૧૯ વર્લ્ડ જુનિયર ગર્લ્સ સિંગલ્સમાં નંબર વનનું રેન્કિંગ મેળવીને ગુજરાતનું જ નહીં, સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. વર્ષ ૨૦૧૧થી વર્લ્ડ જુનિયર રેન્કિંગ અપાય છે જેમાં અત્યાર સુધી બોય્ઝ વિભાગમાં ભારતના ત્રણ ખેલાડીઓ નંબર વનનું સ્થાન મેળવી ચૂક્યા છે, પરંતુ ગર્લ્સ વિભાગમાં વિશ્વસ્તરે ટોચનાં ક્રમે પહોંચનારી તસ્નીમ ભારતની પ્રથમ બેડમિન્ટન ખેલાડી છે.
તસ્નીમ ગયા વર્ષે અંડર-૧૯ કેટેગરીમાં ચોથા સ્થાને હતી પરંતુ તેણે ઉત્કૃષ્ટ દેખાવ કરીને નંબર વનનું સ્થાન મેળવ્યું છે. કહેવાય છે ને કે મોરનાં ઇંડાં ચીતરવા ન પડે. આ કહેવત તસ્નીમને લાગુ પડે છે. મહેસાણામાં પોલીસ આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા પિતા ઇરફાન મીર બેડમિન્ટનમાં નિપૂણ છે અને તસ્નીમે છ વર્ષની વયથી તેમની પાસે બેડમિન્ટન રમવાની શરૂઆત કરી હતી. ચાર વર્ષ સુધી પિતા પાસે ટ્રેનિંગ લઈને ૨૦૧૦થી સ્ટેટ લેવલે ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને એક બાદ એક સિદ્ધિઓ મેળવતી ગઈ. રાજ્ય સ્તરે ઝળક્યા બાદ તસ્નીમે ૨૦૧૬થી હૈદરાબાદસ્થિત પ્રતિષ્ઠિત ગોપીચંદ એકેડમીમાં ત્રણ વર્ષ સુધી ટ્રેનિંગ મેળવીને નેશનલ લેવલે પણ પ્રતિભા દર્શાવી. નેશનલ લેવલે ૨૨ મેડલ જીતી ચૂકેલી તસ્નીમ છેલ્લા બે વર્ષથી ગુવાહાટીમાં વિદેશી કોચ પાસે ટ્રેનિંગ લઈ રહી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાંચ મેડલ જીતી ચૂકી છે.
મારું સ્વપ્ન સાકાર થયુંઃ તસ્નીમ
આ સિદ્ધિથી ખુશખુશાલ તસ્નીમ કહે છે કે જુનિયર કેટેગરીમાં વર્લ્ડ નંબર વન બનતાં આખરે મારું સપનું સાકાર થયું છે. હું મારા માતા-પિતા, પરિવારના સભ્યો, ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, કોચ અને સપોર્ટ સ્ટાફનો આભાર માનું છું. સહુ કોઇએ મને વિશ્વમાં નંબર વન બનવાની મારી સફરમાં સતત સાથ આપ્યો છે.
કોરોનાને કારણે ગત વર્ષે ઘણી તકો ગુમાવી
છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણ વધતાં તેની અસર સ્પોર્ટ્સ પર પણ પડી છે. જોકે, ગયા વર્ષે વેક્સિનેશન શરૂ થયા બાદ વિવિધ રમતો શરૂ થઈ છે પરંતુ તસ્નીમની ઉંમર ૧૬ વર્ષની જ હોવાથી વેક્સિન લઈ શકી ન હોવાથી તે ગત વર્ષે વિદેશમાં રમાયેલી ઘણી ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકી નહોતી. જોકે, હવે ૧૫થી ૧૮ વર્ષના ટીનેજર્સને સરકાર દ્વારા વેક્સિનેશન શરૂ કરાયું હોવાથી હવે તસ્નીમ આ વર્ષે વિદેશમાં યોજાનારી વિવિધ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકશે. તસ્નીમ જે પ્રકારે અત્યારે પ્રદર્શન કરી રહી છે તે જોતાં આગામી સમયમાં સિનિયર મહિલા સિંગલ્સમાં પણ પોતાની રેન્કિંગમાં સુધારો કરી શકશે તેવી આશા તસ્નીમે વ્યક્ત કરી હતી.
ગુવાહાટીમાં ઈન્ડોનેશિયાના કોચ એડવિન ઈરિયાવાનના માર્ગદર્શનમાં તાલીમ લઈ રહેલી તસ્નીમ મીર આવતા મહિને બે આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. જેમાં સાતમી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ઇરાન ઇન્ટરનેશનલ ચેલેન્જ અને તેના ૧૦ દિવસ બાદ યુગાન્ડામાં યોજાનારી ટૂર્નામેન્ટનો સમાવેશ થાય છે.