કોઈ પણ પર્વતારોહીનું અંતિમ લક્ષ્ય માઉન્ટ એવરેસ્ટને સર કરવાનું હોય છે. બે સુરતી બહેનો અદિતિ વૈદ્ય અને અનુજા વૈદ્યનું પણ આ જ સપનું છે. દુનિયાના સૌથી મોટા પડકારનો સામનો કરી તેમનું સપનું પૂરું કરવા તેઓ પ્રયત્ન કરી રહી છે. જોકે આ માટેની તૈયારી તેઓએ ઘણા સમયથી જ શરૂ કરી દીધી હતી.
બંને બહેનોએ એવરેસ્ટ સર કરવા જતા પહેલાં કહ્યું હતું કે, ભારત સહિત વિશ્વનાં અલગ અલગ શિખરો સર કર્યા બાદ હવે માઉન્ટ એવરેસ્ટની ચડાઈ માટે અમે મક્કમ છીએ. ૪ એપ્રિલના રોજથી નેપાળ બેઇઝ કેમ્પથી એવરેસ્ટ માટેની ચડાઈની શરૂઆત કરવાનું જણાવ્યું હતું. બંને બહેનોને નાનપણથી જ પર્વતારોહણ કરવાનું સ્વપ્ન સેવ્યું હતું કેમ કે તેમનાં માતા-પિતા પણ માઉન્ટેનિયરિંગ કરે છે.
અદિતિએ યુકેમાં માસ્ટર્સનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને અનુજાએ બીબીએનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. બંને બહેનોએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પોતાના આ શોખને પ્રોફેશનલી કેળવવા ઉત્તરાખંડ અને દાર્જિલિંગમાં માઉન્ટેનિયરીંગના કોર્સ કરી તેને લગતી ટ્રેનિંગ લીધી અને એ પછી આ ક્ષેત્રમાં જ આગળ વધવાનો મક્કમ નિર્ધાર કરી લીધો હતો. અગાઉ આ બે બહેનોએ ૧૫મી ફેબ્રુઆરીએ અમેરિકાનો એકોન્કાગુઆ રેન્જ સર કરી હતી.