લુઇસિયાનાઃ યુએસના લુઇસિયાના રાજ્યમાં રહેતી સિન્થિયા અને જેસ્મિનને કોઈ જુએ તો બંને મિત્રો જેવી લાગે, પણ તેઓ માતા-પુત્રી છે. ૪૯ વર્ષીય સિન્થિયા અને ૨૬ વર્ષીય જેસ્મિન એક સાથે જ મેડિકલ સ્કૂલમાં ગ્રેજ્યુએટ થયા અને એક જ હોસ્પિટલમાં સાથે જ નોકરીએ પણ લાગ્યા છે. મા-દીકરી આ વર્ષે જ ગ્રેજ્યુએટ થયા છે. જેસ્મિને લ્યુઇસિયાના સ્ટેટ યુનિવર્સિટીમાં અને સિન્થિયાએ યુનિવર્સિટી ઓફ મેડિસિન એન્ડ હેલ્થ સાયન્સમાં અભ્યાસ કર્યો.
જેસ્મિન કહે છે કે, સિન્થિયા મારી માતા હોવા સાથે સાથે અમે બંને એકબીજાના સારા મિત્રો પણ છીએ. અમને સાથે કામ કરવાની ઘણી ખુશી છે. અમે ક્યારેય કોઈ પ્લાન કર્યો નહોતો અને ભવિષ્યમાં શું થશે? તેવો પણ કોઈ વિચાર કર્યો નહોતો.
સિન્થિયા કહે છે કે, ૧૭ વર્ષની ઉંમરે જ ડોક્ટર બનવાનું સપનું તેણે જોયું હતું. તેનો અભ્યાસ પણ ચાલુ જ હતો. તે જ્યારે છેલ્લા વર્ષમાં હતી ત્યારે તેને ખબર પડી કે પોતે ગર્ભવતી છે. આથી તેણે પોતાની દીકરીની સંભાળ માટે અભ્યાસ છોડી દીધો.
તેણે વિચાર્યું નહોતું કે એક દિવસ તે અને તેની દીકરી સાથે જ મેડિકલનો અભ્યાસ પૂરો કરશે અને એક જ હોસ્પિટલમાં કામ કરશે. જેસ્મિનને પણ ડોક્ટર બનવું હતું. અલબત્ત, જેસ્મિને જ માતાને આગળ ભણવા પ્રેરણા આપી જેસ્મિને જ સિન્થિયાનું અધૂરું સપનું દીકરીની મદદથી પૂરું કર્યું. જેસ્મિને સર્જરી પર ફોકસ કર્યું જ્યારે સિન્થિયાએ ફેમિલી મેડિસિનમાં અભ્યાસ કર્યો. હાલ આ મા-દીકરી એક જ હોસ્પિટલમાં ફરજ બજાવે છે.