બાટુમી (જ્યોર્જિયા)ઃ એક બાળક હોય તેના ઉછેરમાં જ આજકાલની યુવા માતાઓ થાકી જતી હોય ત્યારે 25 વર્ષની ઉંમરમાં 22 બાળકોની માતા બની રહેવાનું કેટલું મુશ્કેલ બને તે કલ્પી શકાય તેવું છે. જોકે, રશિયન માતા ક્રિસ્ટિના ઓઝતુર્કને તો કુલ 105 બાળકોની માતા બની હર્યોભર્યો પરિવાર ઉછેરવો છે અને ધનવાન હોવાથી ઓઝતુર્ક દંપતીને પોસાય તેવું છે. જોકે, તે ખરેખર કેટલા બાળકોની માતા બની શકશે તે માત્ર સમય કહી શકે છે. હકીકત એ છે કે આટલાં બધાં બાળકોમાંથી ક્રિસ્ટિનાએ લગ્ન પહેલા માત્ર 17 વર્ષની વયે સૌથી મોટી દીકરી વિકાને જન્મ આપ્યો હતો અને બાકીના બાળકો સરોગસી મધરની સહાયથી મેળવ્યાં છે.
મૂળ રશિયાના મોસ્કોની અને હાલ જ્યોર્જિયાના બાટુમીમાં રહેતી ક્રિસ્ટિના કહે છે કે તેને માતૃત્વની અજીબોગરીબ લગન કે લત લાગી છે અને તે પોતાના 56 વર્ષીય મિલિયોનેર પતિ ગેલિપ ઓઝતુર્ક સાથે મળીને 105 બાળકો સાથે ઈતિહાસ રચવા માગે છે. વિશાળ પરિવાર બાબતે પતિ-પત્નીના વિચાર એકસરખા છે, તેઓ બાળકોને પ્રેમ કરે છે અને સરોગસી પાછળ અઢળક નાણા ખર્ચવા પણ તૈયાર છે. ક્રિસ્ટિનાને આટલા બધા બાળકો પર ધ્યાન રાખવામાં જરા પણ થાક લાગતો નથી. આયાઓની સહાયથી તે આ કામ કરે છે. તે કહે છે કે કોઈ પણ માતા કરે તે રીતે તે આ બાળકોને સાચવે અને ઉછેરે છે. તેમની જરૂરિયાતનું ધ્યાન રાખે છે કારણકે જિનેટિક્સની દૃષ્ટિએ બધાં બાળકો ક્રિસ્ટિના અને ગેલિપના જ છે. ક્રિસ્ટિનાનાં બાળકોની આયાઓ દરેક બાળકની દિનચર્યાની નોંધ અલગ ડાયરીઓમાં કરતી રહે છે.
શરૂઆતમાં તો ક્રિસ્ટિના દર વર્ષે એક બાળક ઈચ્છતી હતી પરંતુ, તેને ખ્યાલ આવી ગયો કે શરીર અને પ્રજનનક્ષમતા આમાં સાથ નહિ આપે તેથી દંપતીએ સરોગેટ મધર્સના વિકલ્પને પસંદ કર્યો અને તેઓ હાલ દરેક બાળકની સરોગસી પાછળ આશરે 10,000 ડોલરનો ખર્ચ કરી રહ્યા છે. બાટુમીનું ક્લિનિક જ સરોગેસી પ્રક્રિયા માટે સંપૂર્ણ જવાબદારી સાથે.માતાની પસંદગી કરે છે. કુખ ભાડે આપનારી યુવાન માતાને ઓછામાં ઓછી એક પ્રેગનન્સી રહી હોય અને તેને કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોય તેની ખાસ કાળજી રખાય છે. ઓઝતુર્ક દંપતી બાળકના જન્મ પછી કોઈ સમસ્યા ન સર્જાય તે માટે સરોગેટ મધર સાથે સંપર્ક પણ રાખતું નથી. એપ્રિલ 1991માં રશિયાથી અલગ પડેલા જ્યોર્જિયા રિપબ્લિકમાં 1997થી સરોગસીની છૂટ છે પરંતુ, તે માટે સંકળાયેલા દંપતી પરિણીત અને વિજાતીય હોવા જરૂરી છે.
જોકે, પૂર્વ સોવિયેટ સંઘના જ્યોર્જિયાના બાટુમીમાં રહેતા ઓઝતુર્ક પરિવાર માટે ગયો ઉનાળો સારો રહ્યો નથી. મની લોન્ડરિંગ અને ખોટા દસ્તાવેજો બનાવવાના આરોપ હેઠળ મિલિયોનેર હોટલમાલિક ગેલિપ ઓઝતુર્કની મે મહિનામાં ધરપકડ થઈ છે. ક્રિસ્ટિનાએ ઓગસ્ટ મહિનામાં ઈન્સ્ટાગ્રામ પર પરિસ્થિતિ ખરાબ હોવાનો અણસાર આપી પતિ પાછા ન આવે ત્યાં સુધી સોશિયલ મીડિયાથી અળગી રહેશે તેવું નિવેદન પણ આપ્યું છે.