આપણે સહુએ એક યા બીજા સમયે જોયું - જાણ્યું હશે કે જ્યારે પણ કંઇ જોખમ જેવું જણાય છે કે તરત પ્રાણીઓ એ સ્થળેથી ભાગી જતા હોય છે. પરંતુ જો આ સમયે સાથે સંતાન હોય તો માતા એ સંતાનના રક્ષણ માટે દુશ્મન સાથે લડી લેતી હોય છે! પ્રાણી હોય કે માનવી, માતા તો માતા જ હોય છે અને તે સંતાનના રક્ષણ માટે જાનની બાજી લગાવી દેતી હોય છે. આ માતૃપ્રેમનું રહસ્ય શું?
ઉંદર ઉપર થયેલા પ્રયોગોમાં જણાયું છે કે જ્યારે માદા માતા બને છે ત્યારે તેનામાં લવ હોર્મોન નામે ઓળખાતો હોર્મોન મગજમાં પેદા થતો હોય છે. આ લવ હોર્મોન એટલે કે ઓક્સિટોસિન માતાને સંતાનના રક્ષણ માટે આક્રમક બનાવતો હોય છે. ઓક્સિટોસિન માતા અને તેના સંતાનોમાં એક જોડાણ ઊભું કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જોકે તેની ભૂમિકા કઈ કઈ છે તે અંગે હજુ પણ જાણવાનું બાકી રહે છે.
અત્યારે નિષ્ણાતો એટલું તો જાણે જ છે કે, ઓક્સિટોસિન મગજમાં પેદા થાય છે. તેની ગેરહાજરીમાં આત્મરક્ષાની સ્થિતિમાં કોઈ પ્રતિક્રિયા માતા આપતી નથી. પોર્ટુગલના લિસ્બનની ચમ્બેલીમોડ સેન્ટરના ન્યુરો-સાયન્ટિસ્ટોએ અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે આ બે ઘટક એક બીજા સાથે કઈ રીતે જોડાણ ધરાવે છે. આ અભ્યાસનું નેતૃત્વ કરનારા માર્ટા મોતઈતા કહે છે કે, માતાઓની રક્ષણ માટેની વર્તણૂક તેના બચ્ચાંની હાજરી અને બચ્ચાની ગેરહાજરીમાં કેવી હોઈ શકે છે તે અંગે અભ્યાસ કર્યો છે. એ જ સમયે આ વર્તણૂંક ઉપર નિયંત્રણમાં ઓક્સિટોસિન કેવી ભૂમિકા ભજવે છે તેનો પણ અભ્યાસ કર્યો છે.