ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે પોતાની જીંદગીના અમૂલ્ય વર્ષો સમર્પિત કરનાર નિરંજનાબહેન દેસાઈ, ટૂંકમાં ‘સેતુ’ના નામે અોળખાતા હેરો વિમેન્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે અને રાણી તરફથી MBE ખિતાબથી સન્માનિત છે. નિરંજનાબહેન ૪૨ વર્ષથી આ સંસ્થા ચલાવે છે અને આ દેશમાં આવીને સૌ પ્રથમ એશિયન શિિક્ષકા તરીકે હેરોની શાળામાં કામ કર્યું હતું. પોતાની માતૃભાષા પ્રત્યેના પ્રેમને કારણે તેમણે શિક્ષકોને તાલીમ આપી ડિપ્લોમા કોર્ષ કરાવ્યો હતો, જેથી તેઓ શાળાઓમાં શુદ્ધ ગુજરાતી સરળ રીતે શીખવી શકે. વળી તેઅો 'ટ્રેઇનર ઇન એજ્યુકેશનલ એક્ઝીક્યુટિવ કમીટી' તરીકે અને ઘણાં વર્ષોથી ઇન્ટરનેશનલ એક્ઝામીનર તરીકે કામ કરી રહ્યા છે.
ગુજરાતી ભાષા પ્રત્યેની તેમની નિષ્ઠા અદ્વિતિય છે. તેમણે નારીશક્તિને ઉજાગર કરવા અને તેમની સર્જનશક્તિને પ્રોત્સાહિત કરવા રચનાત્મક લખાણો લખાવ્યા છે. જેના ફળસ્વરૂપ પ્રકાશીત થયેલા કાવ્યસંગ્રહ ‘ચિનગારી’માં બહુ ભણેલી નહીં તેવી બહેનો, પુત્રવધૂઓ તથા દોહિત્રીઓની અંગ્રેજીમાં લખાયેલ રચનાઅોનો સમાવેશ કરાયો છે. ‘વંદન તુજને મા’ સંગ્રહમાં સંસ્થાની બહેનોએ પોતાની માતા વિશે અભિવ્યક્ત કરેલા સુંદર લેખો છે. જે બન્ને પુસ્તકો તેમણે પ્રકાશિત કર્યા છે.
તેમણે બ્રિટનમાં અંગ્રેજી વાતાવરણમાં ઉછરતી નૂતન પેઢીને ગુજરાતી તરફ વાળવા અંગ્રેજી ગુજરાતી એમ દ્વિભાષી રૂપની બાળવાર્તાઓ અહીંના બાળકોને ગમે તેવા રૂપે-રંગે તૈયાર કરી છે. બાળશિક્ષણની સામગ્રીરૂપે અનેક પુસ્તકો તૈયાર કરીને પ્રકાશિત કર્યા છે અને રેડિયો અને ટેલિવિઝન પર અને શાળાઓમાં, લાઈબ્રેરીમાં વાર્તાકથનના કાર્યક્રમો પણ આપ્યા છે.
નિરંજનાબહેને ગુજરાતી ભાષાની સેવા કાજે ઘણું કાર્ય કરેલ છે. તેમના માતૃભાષા પ્રત્યેના પ્રેમ, નિષ્ઠા, આદર, ગર્વ અને ઉપાસનાને ‘સેતુ’ની બહેનો વંદન કરે છે. સંપર્ક: 020 8422 2677.
વ્યક્તિ પરિચય: આપની પ્રતિભાનો સમાજને લાભ આપો
શું આપ ધાર્મિક, સામાજીક, વ્યવસાયીક, વ્યાપારીક, રાજકીય કે પછી અન્ય કોઇ પણ સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલા છો? શું આપને નથી લાગતું કે પરમાત્માએ આપને બક્ષેલી પ્રતિભાથી બ્રિટનમાં વસતા આપણા ભારતીયો તેમજ ગુજરાતીઅો માહિતગાર થાય? જો આપનો જવાબ 'હા' હોય તો અમે આપનો પરિચય 'ગુજરાત સમાચાર'માં પ્રકાશિત કરવા આતુર છીએ.
આ માટે આપનો સંક્ષિપ્ત બાયોડેટા, સેવા કાર્યો, સામાજીક જોડાણ, આપના નવા ફોટોગ્રાફ, સંપર્ક વગેરે સાથે સંપૂર્ણ માહિતી અમોને ગુજરાતી ભાષામાં પેપરની એક તરફ મહત્તમ ૨૨૫ શબ્દોમાં લખીને 'ગુજરાત સમાચાર' કાર્યલય ખાતે મોકલી આપો. આપ પોતાના મિત્ર, સગાં-સંબંધીના નામનું સૂચન પણ કરી શકો છો. વધુ માહિતી માટે સંપર્ક: કમલ રાવ 020 7749 4001.