નિરાશા, હતાશા, ઉદાસી જેવા ભાવોથી બચવું કોઇ પણ વ્યક્તિ માટે મુશ્કેલ છે કેમ કે આ બધું આપણા જીવનનો એક હિસ્સો છે. દરેક વ્યક્તિ ક્યારેકને ક્યારેક તો ઉદાસી કે નિરાશા જેવા મૂડનો અનુભવ કરે જ છે. આ સમસ્યા દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે, પરંતુ તેનો સામનો કરવામાં, તેમાંથી બહાર નીકળવામાં મહિલાઓ પુરુષોથી આગળ છે. આ એક એવી મનોસ્થિતિ છે, જેના પર ત્યાં સુધી કંઈ કરી શકાતું નથી જ્યાં સુધી આ પરેશાની વિશે ખબર ન પડે. નિષ્ણાતો કહે છે કે મનના ગૂંચવાયેલા દોરાઓને ઉકેલવા માટે વ્યક્તિએ ‘એક્સપ્રેસિવ આર્ટ થેરપી’ અપનાવવી જોઈએ, તો મનની ગૂંચવણ દૂર થઈ શકે છે કે આવી સમસ્યામાં રાહત થાય છે.
આ અંગે યુનેસ્કો દ્વારા સર્ટિફાઈડ એક્સપ્રેસિવ આર્ટ થેરપિસ્ટ રશ્મિ સિંહ જણાવે છે કે, આ થેરપીમાં અનેક આર્ટ ફોર્મ સામેલ છે. ડાન્સ, સંગીત, કલર આર્ટ, રાઈટિંગ, પોએટ્રી વગેરે બધું જ આ થેરપીનો ભાગ છે. એક્સપ્રેસિવ થેરપી કોઈ પણ વિશેષ આર્ટથી અલગ છે.
રશ્મિ સિંહ કહે છે કે સામાન્ય રીતે કળા શીખવા દરમિયાન આપણી પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે, આપણે તેના વિશે થોડુંઘણું જાણતા હોવા જોઈએ, તેમાં આપણી રુચિ હોવી જોઇએ કે તે શીખવાની ઇચ્છા હોવી જોઇએ. જ્યારે કે એક્સપ્રેસિવ આર્ટ થેરપીમાં માત્ર અને માત્ર મેન્ટલ હિલિંગ પર ભાર મુકવામાં આવે છે.
રશ્મિ જણાવે છે કે, મહિલાઓ પોતાની પરેશાનીઓનો ઝડપથી સ્વીકાર કરે છે, એટલે આ થેરપી માટે વધુ આવે છે. ફિઝિકલ ટ્રોમા, રેપ, ઓટિઝ્મ, ડિસેબિલિટીમાંથી પસાર થનારા લોકોને ડાન્સ મૂવમેન્ટ થેરપી અપાય છે. આ જ રીતે જો કોઈ યંગ એડલ્ટ કે ટીનએજર કોઈ રિલેશનશીપ કે ફ્રેન્ડશિપના કારણે મેન્ટલ ટ્રોમાનો ભોગ બનેલો છે તો તેને ફ્રી રાઈટિંગ થેરપી અપાય છે. તેના દ્વારા આવા લાકોના મનને હળવું કરવાનો પ્રયાસ કરાય છે.
કેટલાક લોકો એવા પણ હોય છે, જે પ્રતિભાશાળી હોવા છતાં એંગ્ઝાયટી અનુભવતા હોય છે કે, હું જીવનમાં કંઈ જ કરી શકીશ નહીં. તેમને આર્ટ આધારિત થેરપી અપાય છે, જેમાં તેમના મનમાં રહેલા ડરને બહાર કાઢવા માટે કલર્સ અને સ્કેચનો ઉપયોગ કરાય છે. ટૂંકમાં કહીએ તો આ થેરપીનું લક્ષ્ય વ્યક્તિને ડિપ્રેશનમાંથી બહાર કાઢીને ખુશ રહેવા માટે પ્રોત્સાહિત કરવાનું છે.