આભૂષણ એટલે દરેક માનુનીને સૌથી ગમતી એક્સેસરીઝ. આભૂષણની ડિઝાઇનમાં વધુ નાવીન્ય લાવવા માટે જ્વેલરી ડિઝાઇનર ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને અવનવી ડિઝાઇન બજારમાં લાવે છે. ફિંગરની સુંદરતા વધારતી રીંગમાં આજકાલ બિગ ડિઝાઇન ઇન ટ્રેન્ડ છે. ક્રિસ્ટલ, ડાયમંડ અને પર્લની ડિઝાઇનમાં આવતી કોકટેઇલ રીંગ માનુનીને આકર્ષી રહી છે.
એક સમય એવો હતો કે મોટી ડિઝાઇન ધરાવતી રીંગ માત્ર પુરુષોની પસંદગી હતી. પુરુષો મોટા ભાગે મોટી ડિઝાઇનની રીંગ પસંદ કરતાં હોય છે પણ હવે રીંગની ફેશનનો ટ્રેન્ડ પણ બદલાયો છે. આજકાલ યુવતીઓની રીંગની ડિઝાઇનમાં પણ બિગ પેન્ડન્ટ જોવા મળે છે જેને કોકટેઇલ રીંગ કહે છે. મેરેજ, પાર્ટી કે પછી દુલ્હન માટે રીંગ ખરીદવાની હોય તો બિગ ડિઝાઇનને વધુ પ્રીફર કરવામાં આવે છે.
કોકટેઇલ રીંગની ખાસિયત એ છે એક ફિંગરમાં પહેરેલી રીંગ અન્ય આંગળીને પણ કવર કરે છે તેથી માત્ર એક જ રીંગ પહેરવાથી પણ હાથની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. બિગ ડિઝાઇન સાથે સ્પાર્કલિંગ ડાયમંડ હોવાથી તે વધુ લક્ઝુરિયસ લુક આપે છે. કોકટેઇલ રીંગમાં એક મોટી સાઇઝનો કલરફુલ સ્પાર્કલિંગ ડાયમંડ મૂકવામાં આવે છે અને આજુબાજુની સાઇડને નાના નાના વ્હાઇટ ડાયમંડથી કવર કરવામાં આવે છે. જુદા જુદા શેપ અને ડાયમંડના સુંદર કોમ્બિનેશન સાથે ડિઝાઇન કરવામાં આવતી કોકટેઇલ રીંગ નાની કોમ્પેક્ટ સ્ટાઇલ કરતાં વધુ ધ્યાનાકર્ષિત કરે છે.
ફ્લાવર ડિઝાઇન
કોકટેઇલ ડિઝાઇનમાં જ ફ્લાવર ડિઝાઇન વધુ પસંદ કરવામાં આવે છે. અહીં ડાયમંડને ફ્લાવરની પાંદડીના સુંદર વળાંકમાં કંડારવામાં આવે છે. વચ્ચે કલરફુલ ડાયમંડ મૂકીને તેની આસપાસની પાંદડીને અન્ય કલરના ડાયમંડ સાથે કોમ્બિનેશન કરવામાં આવે છે. સુંદર ફિનિશિંગ સાથે ડિઝાઇન કરવામાં આવતી ફ્લાવરી ડિઝાઇન પણ રીંગની શોભા વધારનારી છે. ફ્લાવરની ડિઝાઇનમાં ગ્રીન, બ્લૂ અને રેડ ડાયમંડ સાથે વ્હાઇટ પર્લ અથવા ડાયમંડનું મેચિંગ વધુ ક્લાસી લુક આપે છે.
ડાયમંડ વિથ પર્લ રીંગ
કલચર્ડ પર્લનો ઉપયોગ રીંગને વધુ રિચ બનાવે છે. સ્પાર્કલિંગ ડાયમંડ સાથે વ્હાઇટ, કલરફુલ પર્લનું કોમ્બિનેશન અને સુંદર વળાંકો રીંગને યુનિક લુક આપે છે. આ પ્રકારની ડિઝાઇનમાં મોટાભાગે ડાર્ક કલરના ડાયમંડ સાથે વ્હાઇટ પર્લ અને ઓફ વ્હાઇટ પર્લ પસંદ કરવામાં આવે છે. મોટા ભાગે ડાળી પર ફૂલની કળી દર્શાવવાની હોય ત્યારે વ્હાઇટ પર્લનો ઉપયોગ કરવામાં આવે છે. ડાયમંડ વિથ પર્લનું કોમ્બિનેશન રીંગને વધુ આર્કિષત બનાવે છે.
ક્રિસ્ટલ રીંગ
જો તમે નાઇટ પાર્ટી માટે રીંગ ખરીદી રહ્યા હો તો ક્રિસ્ટલ રીંગ એપ્રોપ્રિએટ રહે છે. સ્પાર્કલિંગ ક્રિસ્ટલ નાઇટમાં વધુ સુંદર લુક આપે છે. ક્રિસ્ટલ રીંગની ડિઝાઇનની ખાસિયત એ છે કે અહીં મલ્ટિકલર વધુ યુઝ કરવામાં આવે છે. ઝીણી ઝીણી ડિઝાઇનમાં અનેક રંગોનો કલાત્મક રીતે ઉપયોગ કરવામાં આવે છે તેથી એક રીંગને તમે ગમે તે કલરના આઉટફિટ સાથે મેચ કરી શકો છો. ટૂંકમાં રજવાડી ટાઇપની બિગ ડિઝાઇનની આ રીંગ ઓક્ઝેનમાં યુનિક સાથે રિચ લુક આપે છે.