ભારતીય પરિધાન સાડી કોઈ પણ યુવતીથી લઈને વૃદ્ધા સુધી દીપે છે. પ્રભાવશાળી અને ગરિમાસભર સાડી નીતનવી રીતે પહેરીને તમારા દેહ મુજબ પહેરી શકાય છે. જોકે કેટલીય માનુનીઓ એવી હશે જેમને સાડી પહેરતાં આવડતી હશે નહીં તો આવી રમણીઓ માટે માર્કેટમાં ખાસ રેડી મેઈડ સાડી મળી રહે છે. તમારા શરીરના બાંધા પ્રમાણે તેને ધારણ કરી શકાય છે. તેથી જે મહિલા સ્થૂળ કાયા ધરાવતી હોય કે મેદસ્વી હોય તેણે સામાન્ય રીતે જ્યોર્જેટ, શિફોન તથા મૈસૂર સિલ્ક જેવી સાડી ખરીદવી જોઈએ. દરેક પ્રકારની રેડીમેઈડ સાડીઓ માર્કેટમાં મળી જ રહે છે. માર્કેટમાં મળતી રેડીમેઈડ સાડી તમારી કાયા મુજબ યોગ્ય ફિટ થાય એ રીતે બનાવાયેલી પણ મળી રહે છે.
ઊંચાઈ પ્રમાણે મળતી સાડી
જેમની ઊંચાઈ ઓછી હોય તેણે નાની બોર્ડરવાળી કે બોર્ડર વગરની રેડીમેઈડ સાડી પસંદ કરવી જોઈએ. બને ત્યાં આડા પટ્ટાની સાડી પસંદ ન કરવી. પ્રિન્ટ પણ ઝીણી પસંદ કરવી. રેડી મેઈડ પ્રિન્ટેડ સાડી ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખવું કે પાટલીની પ્રિન્ટની ડિઝાઈન તમારા પર શોભી રહી છે કે નહીં?
રંગની પસંદગી
રેડીમેઈડ સાડીમાં બેથી ત્રણ રંગ જો સાડીમાં હોય તો ક્યો રંગ ક્યાં આવે છે તે ખાસ જોઈ લેવું. કારણ કે દરેકના કદ પ્રમાણે સાડીનો રંગ અલગ અલગ જગાએ આવતો હોવાથી સાડી પહેરી હોય ત્યારે તે ધાબા જેવી ન લાગે.
દરેક પ્રકારની સાડીઓ
બાંધણી, પૈઠ્ઠણી, કલકત્તી, કાંજીવરમ, પટોળા, લહેરિયું, બનારસી વગેરે જેવી પારંપરિક સાડીઓ અને પારંપરિક ભાતની ડિઝાઈનમાં પણ રેડીમેઈડ સાડીઓ મલી રહે છે. ગુજરાતી, દક્ષિણી, બંગાળી, મહારાષ્ટ્રીયન સ્ટાઈલથી સિવેલી રેડીમેઈડ સાડીઓ માર્કેટમાં ઉપલબ્ધ હોય છે. તેથી તમારે જે પારંપરિક સાડી પહેરવી હોય તેવી સાડી તમે ખરીદી શકો છો.
રેડીમેઈડ સાડી પહેરતી વખતે...
• ઓફિસમાં જો તમને સાડી પહેરીને જવાની ઈચ્છા હોય તો રેડીમેઈડ સાડીમાં પિન-અપ કરવાની પરેશાની રહેતી નથી. તમે ફ્રી રહી શકો છો અને સ્માર્ટ વર્ક કરી શકો છો. રેડીમેઈડ સાડી કોઈ તકલીફ નથી આપતી.
• કોટન, ટિશ્યુ કે સ્ટાર્ચ કરેલી રેડીમેઈડ સાડી યોગ્ય ઇસ્ત્રી થયેલી હોવી જરૂરી છે. સાડી ખરીદી એ રીતે જ સળ પાડેલી હોવાથી ઈસ્ત્રી કેવી રીતે કરવી એ સમસ્યાનું સમાધાન મળી જાય છે.
• રેડીમેઈડ સાડીને વધુ કાળજીની જરૂર હોતી નથી એટલે બહારગામ જતી વખતે કે પેક કરતી વખતે વધુ ધ્યાન આપવું પડતું નથી.
• રેડીમેઈડ સાડીને વધુ પડતી ટાઈટ પહેરવાની જરૂર રહેતી નથી. કોઈ પણ ડ્રેસની જેમ એક જ વખત તે ધારણ કરી લીધા પછી તે લાંબો સમય સુધી એક જ અવસ્થામાં રહે છે. તેથી ચાલવામાં પણ તકલીફ પડતી નથી.