માને અંજલિ આપતા પર્વની ભીતરના ઇતિહાસ પર એક નજર…

માતૃદિન વિશેષ

જ્યોત્સના શાહ Tuesday 06th March 2018 06:40 EST
 
 

વાચક મિત્રો, ૧૧ માર્ચના રોજ બ્રિટનવાસીઓ માના વાત્સલ્યપ્રેમ, મમતા અને કદરદાનીને અંજલિ અર્પવા ‘મધર્સ ડે’ની ઉજવણી કરી માનું ઋણ અદા કરવાની કોશિષ કરશે. આમ તો આ જરા અજૂગતું લાગે કે વર્ષમાં એક જ દિવસ માની કદર કરી કાર્ડ કે ભેટ ધરી યા એક દિવસ રોજિંદા કામકાજમાંથી મુક્તિ આપી એટલે મા પ્રત્યેની લાગણી વ્યક્ત થઇ કહેવાય? મનમાં સહેજે એવો પ્રશ્ન થાય કે મા-બાળકના સચોટ સ્નેહ સંબંધો આવા ‘ડે’ની સિમામાં બાંધી શકાય? આપણા શાસ્ત્રો મુજબ તો સો જનમ લઇએ તો ય માનું ઋણ ન ચૂકવાય? વર્ષમાં એક દિવસ ઉજવવાથી શું વળે! ખેર! આ ‘મધર્સ ડે’ની ઉજવણીનો પણ એક રસપ્રદ ઇતિહાસ છે. એ જાણવા જેવો છે. એનો ભાવ ઉમદા છે. 

અમેરિકાના વેસ્ટ વર્જીનિયા વિસ્તારના ગ્રાફ્ટનમાં અન્ના રીવ્ઝ જાર્વીસ નામની એક સ્ત્રી રહેતી હતી, એ ૧૮૯૦માં ફિલાડેલ્ફીયા રહેવા આવી. ૧૯૦૩માં વતનમાં એની મા ગુજરી ગઇ. એ પહેલા મા-દીકરી વચ્ચે થોડીક બોલાચાલી થઇ હતી. ત્યારબાદ ફરી સુલેહ ન થયો અને અચાનક એની માતાનું મૃત્યુ થયું. પોતાની મા સાથે સુલેહ ન થવાનો વસવસો એને જીવનભર પજવતો રહ્યો. ૧૯૦૮માં માની કબર સામે ઉભા રહી એણે સંકલ્પ કર્યો કે, મારા જેવું એ બીજાની જિંદગીમાં નહિ થવા દે! એ માટે એણે ‘મધર્સ ડે"’ ઉજવવાનો વિચાર રમતો મૂક્યો. એની ઝૂંબેશના પરિણામે ૧૯૧૨માં વેસ્ટ વર્જીનિયા રાજ્ય અને ૧૯૧૪માં અમેરિકન પ્રમુખ વુડ્રો વિલ્સને મે મહિનાના બીજા રવિવારને ‘મધર્સ ડે’ તરીકે ઉજવવાનું ફરમાન કર્યું.
આમ તો ૧૮૭૨માં જુલિયા વોર્ડ નામની કવિયત્રીએ પુરુષ સૈનિકને હિંસક બનતો અટકાવવા માટે માતાને શાંતિનું પ્રતીક માની માતૃદિન ઉજવવાની અપીલ કરેલી, પણ આ આન્નાનો ઇતિહાસ જુદો હતો. એનો હેતુ કમસે કમ એક દિવસ સંતાનો માને ‘આઇ લવ યુ’, ‘થેંક્યુ’, ‘ફરગીવ મી’ જેવું કંઇક આંખમાં આંખ મિલાવી કહી શકે જેથી એની જેમ જીવનભર વસવસો વેંઢારવો ન પડે!
સત્તાવાર ‘મધર્સ ડે’ જાહેર થતાં ‘જ્યાં લાગણી ત્યાં માગણી’ના ન્યાયે એનું વેપારીકરણ પણ અમલમાં આવ્યું. ફુલવાળા અને કાર્ડ તેમજ ગિફ્ટવાળાઓને તો રોજગાર વધારવાનું નિમિત્ત મળ્યું! આ બાબતથી આન્ના જાર્વિસ ખૂબ નારાજ થઇ. માના નામે પોતાની ખીચડી પકાવતા એને મંજૂર ન હતા! ૧૯૪૮માં એનું મૃત્યુ થયું ત્યાં સુધી આ વેપારીકરણ એને ખટક્યું, પણ એ કાંઇ ન કરી શકી!
પ્રાચીન કાળમાં ૨૫૦ બી.સી.થી દર વર્ષે માર્ચ મહિનામાં રોમન્સ પ્રજા માતા સાયબેને અને ગ્રીકસ પ્રજા માતા રાણી હીયા (દેવ-દેવીઓના મા) પ્રતિ ભક્તિભાવ પ્રદર્શિત કરવા માતાની પૂજાનું પર્વ મનાવતા હતા. ૧૬મી સદીમાં યુકે અને આયર્લેન્ડમાં વસંત ઋતુમાં માર્ચ મહિનાના ચોથા રવિવારે વર્જીન મેરીના માનમાં મધરીંગ સન્ડે મનાવાતો. દુનિયાના જુદા જુદા દેશોમાં અલગ અલગ સમયે ‘મધર્સ ડે’ ઉજવાય છે. કેટલાક દેશો યુએસએને અનુસરે છે. કેટલાક ઇન્ટરનેશનલ વુમન્સ ડે - ૮ માર્ચનો દિવસ પણ ‘મધર્સ ડે’ તરીકે ઉજવે છે.
બ્રિટીશ પરંપરામાં સત્તાવાર રીતે ૧૯૧૩માં અમેરિકન અખબારોમાં આન્ના જાર્વિસના લેખો પ્રસિદ્ધ થયા એમાંથી પ્રેરિત થઇને સ્મિથ કોન્સ્ટન્સે ‘મધર્સ ડે’ ઉજવવા માટે કરેલ પ્રયાસોના પરિણામે અહીં પણ એની ઉજવણી માતા પ્રત્યેનો પ્રેમ, આભાર અને કદર કરવાના ભાગરૂપે શરૂ થઇ. મા એ મા છે - ચાહે એ ખ્રિસ્તી હો કે અમેરિકન, હિન્દુ હો કે મુસ્લિમ, જૈન હો કે યહુદી…. એની કોઇ જાત નથી હોતી! એને મા કહો કે મમ, અમ્મા કહો કે મમ્મા... માનું જ એ રૂપ છે.
સંવેદન જ નહિ, વિજ્ઞાન પણ કહે છે કે, માતૃત્વ મૃત્યુને હરાવવાનું વરદાન છે. મા અમરત્વની ધારા છે. જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે આ સૃષ્ટિમાં. પણ મા બાળકને જન્મ આપીને પોતાના જીન્સ, આકૃતિ, પોતાનો અંશ એમાં વહેતો મૂકે છે. કવિ ન્હાનાલાલની જૂની ગુજરાતી કવિતા, ભાષા અઘરી છે પણ ખૂબ સરસ છે:

બ્રહ્માંડમાં બ્રહ્માંડકર્મી સર્જનારી કોઇ હોય તો તે છે જનની કે જગજનની!
શરીર સમર્પી શરીર ઘડે, આત્મા સમર્પી આત્મા સરજે... વર્તમાનના તીરે ઉભી
ભવિષ્ય રચતી, મન્વન્તરોને સાંકળતી માતાઓ છે સૃષ્ટિ વિકાસની સહાયક દેવીઓ,
માનવગંગાની અખસ્ત્રાવી એ ગંગોત્રીઓ!

માતૃત્વની બાયોલોજી સાથે જ બિનશરતી પ્રેમની સાયકોલોજી આવી જાય છે. પોતાના જ અંશરૂપી શિશુનો સ્પર્શ મેળવવાની અનેરી ખુમારી માતૃત્વ ધારણ કરતાંની સાથે આવી જાય છે. એક જીવને આકાર આપી, સ્વીકાર કરવાનું વરદાન કેવળ માને મળ્યું છે. માતા એ હરતીફરતી, જીવતીજાગતી પાઠશાળા છે. મા એ ઘરનું મીત છે, સ્મિત છે. એના ચરણોમાં ચિરંતન તીર્થ છે. સો શિક્ષકોની ગરજ સારતી માતા એ આપણી સૌથી મોટી ગુરુ છે.
વાચક મિત્રો, આજે મમ્મી હયાત હોય તો એને ભેટીને, એના ખોળામાં સૂઇને માથા પર હાથ ફેરવાવી લેજો. એ નહીં હોય તો જીવનમાં બહુ વસવસો થશે. ભૂલ કરી હોય તો માફી માગવાનું ભૂલતા નહીં. ‘મધર્સ ડે’ નીમિત્તે જગતની તમામ માતાઓના ચરણોમાં કોટિ કોટિ વંદન.
Happy Mother’s day...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter