લંડન: માન્ચેસ્ટરનાં પહેલાં મહિલા બસચાલક ૫૭ વર્ષીય ટ્રેસી સ્કોલ્સને ૩૪ વર્ષની સર્વિસ બાદ નોકરીમાંથી હાંકી કઢાયા છે. ગો નોર્થ વેસ્ટ કંપનીએ આ માટે કારણ આપ્યું છે કે બસના વિંગ મિરરની નવી ડિઝાઇન જોતાં ટ્રેસીની ઊંચાઇ ઘણી ઓછી છે. કંપનીએ બસના વિંગ મિરરની ડિઝાઇન બદલી છે અને ટ્રેસીએ તેમાં જોતાં રહેવા માટે ચારેય તરફ ઝૂકવું પડે છે, જેના કારણે તેના પગ પેડલ પર રાખી શકતાં નથી. આનાથી અક્સમાત થવાનું જોખમ છે. ટ્રેસીએ કંપનીના આ નિર્ણયને કાનૂની પડકાર આપ્યો છે.
ટ્રેસીની ઊંચાઇ ૫ ફૂટ છે અને તેનું કહેવું છે કે તેણે ૩૪ વર્ષ સુધી બસ ચલાવી ત્યારે કોઇ અકસ્માત નથી થયો અને હવે તેની ઊંચાઇ મુદ્દે તેને ટારગેટ કરવામાં આવી રહી છે. તેણે કંપનીના નિર્ણય વિરુદ્વ અપીલ કરી છે. ઘણા લેબર ઓર્ગેનાઇઝેશન તેમજ ૨૩ હજારથી વધુ સ્થાનિક લોકોએ પણ ટ્રેસીના સમર્થનમાં અરજી પર સહી કરી છે.