નવી દિલ્હીઃ રિયો પેરાઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા ભારતીય મહિલા એથલેટ દીપા મલિક કહે છે કે, કોઈ વ્યક્તિ મારી તરફ નકારાત્મક દૃષ્ટિથી વિચારે ત્યારે હું વિચારું છું કે તે વ્યક્તિને સકારાત્મક જવાબ કેવી રીતે આપું? મારા ખરાબ સમયમાં બે જ વસ્તુનો બોધપાઠ લીધો છે, પ્રથમ સારું શીખવું અને બીજું આભાર માનવો. મારું શરીર ભલે વિકલાંગ છે, પરંતુ મારા મનને મેં વિકલાંગ થવા દીધું નથી.
દીપા મલિક પેરાઓલિમ્પિક ક્ષેત્રે ભારતનું પ્રતિનિધિત્વ કરનારી અને સિલ્વર મેડલ પ્રાપ્ત કરનારી સૌપ્રથમ મહિલા છે. દીપા આજના યુવાઓને પ્રોત્સાહન આપતાં કહે છે કે, આજનું યુથ કાલનું ફ્યુચર છે. તેમણે પોતાના જીવન અંગે યુવાઓને શીખ આપતાં કહ્યું હતું કે, હું જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે મારું ચાલવું તેમજ ફરવાનું ઓછું થઈ ગયું હતું. મારા માતા-પિતાએ આખા દેશમાં અનેક ડોક્ટરોને બતાવ્યું, પરંતુ કોઇ ફરક પડયો ન હતો. ભારતીય સેનામાં ફરજ બજાવતા મારા પિતાને જાણ થઈ કે, પુનાની હોસ્પિટલમાં આ અંગેની સારી સારવાર મળે છે તેથી તેમણે ત્યાં પોસ્ટિંગ મેળવ્યું અને મારો ઈલાજ ત્યાં શરૂ થયો. આ સમયમાં એક વર્ષ સુધી હું સતત પથારીવશ રહી હતી. તે વખતમાં વીડિયોગેમ, મોબાઈલ ફોન જેવા સાધનો ન હતા. તેથી જે મને મળવા આવે તેમની પાસેથી હું વાર્તાઓ સાંભળતી હતી.
આ ખરાબ સમયે મને લોકોનો આભાર માનતાં શીખવ્યું અને સત્યનો સ્વીકાર કરતાં પણ આ જ સમયમાં હું શીખી. દીપા કહે છે કે, સારવાર બાદ હું સારી થઈ ગઈ હતી. મને તે સમયે મોટર સાયકલ ચલાવવાનો ખૂબ શોખ હતો અને લાયસન્સ મેળવવાની ઉંમર ના હોવા છતાં પરિચિત વ્યક્તિ પાસેથી મોટરસાયકલ લઈને નીકળી જતી હતી. જોકે મારા માતા-પિતા તેનો વિરોધ કરતા હતા. તેથી મેં નક્કી કર્યું હતું કે, જે મને બાઇક ચલાવવા માટે ચાવી હાથમાં આપી દે તેવી વ્યક્તિ સાથે જ હું લગ્ન કરીશ. એક દિવસ મિલિટ્રીનો એક અફસર બિક્રમ મલિક સિંઘ મારા પિતા પાસે આવ્યો અને મારો હાથ માગી લીધો. તેણે મને બાઇક ચલાવવાની છૂટ પણ આપી દીધી.
દીપાએ જીવનના સંઘર્ષ અંગે ઉમેર્યું હતું કે, મારા પતિ બિક્રમનું પોસ્ટિંગ ઊંટીમાં હતું અને તે સમયે મારો પગ થોડો લંગડાતો હતો ત્યારે મેં એક બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો તે સમયે કોન્ટેસ્ટના નિર્ણાયકોમાંના એક માધુરી દીક્ષિતે પૂછ્યું કે, તમે થોડાં લંગડાવ છો છતાં બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ કેમ લીધો? ત્યારે મેં કહ્યું કે, મારો આત્મવિશ્વાસ અડગ છે. મારા એનર્જેટિક જવાબથી મેં બ્યુટી કોન્ટેસ્ટ જીતી લીધી હતી.
એ પછી મારા પતિ કારગીલ લડાઇમાં હતા અને મોટી પુત્રી દેવિકા હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. તે વખતે મારી નાની પુત્રી અંબિકા ત્રણ વર્ષની હતી. આ સ્થિતિમાં મારી તબિયત લથડતાં ઓપરેશન કરાવવું પડ્યું હતું કારણ કે છાતીનો નીચેનો ભાગ વિકલાંગ થઇ ગયો હતો.
મારી આ સ્થિતિના કારણે લોકો અવારનવાર કેમ છે? તબિયત સારી છે? તેમ કહી મારી વિકલાંગતા વારંવાર યાદ કરાવતા હતા. જેથી મેં નાના પાયે એક રેસ્ટોરાં શરૂ કરી અને હોમ ડિલિવરી માટે કેટલાક યુવકોએ જવાબદારી ઉપાડી. માત્ર ચાર ટિફિનથી શરૂ થયેલી રેસ્ટોરાં પાછળથી ૪૦૦ માણસોના ટિફિન રોજ તૈયાર કરતી હતી. જોકે ત્યારબાદ કેટલાક યુવાઓએ મને મોટરસાયકલ ચલાવવા પ્રોત્સાહન આપ્યું હતું અને બાદમાં કેટલાક સંઘર્ષ બાદ આખરે ૩૬ વર્ષની ઉંમરે મેં સ્પોર્ટસમાં ઝંપલાવ્યું હતું.
છાતીથી નીચેનો ભાગ વિકલાંગ હોવા છતાં સ્વિમિંગથી મેં ખેલ ક્ષેત્રે આવવાનું વિચાર્યું હતું અને સ્વિમિંગમાં અનેક મેડલો જીત્યાં. એ પછી સ્પોર્ટસમાં રુચિ વધતી ગઈ. બાઇકિંગ, કાર રેસિંગ અને છેલ્લે એથલેટિક્સમાં મહેનત કરવી શરૂ કરી. છેલ્લા દસ વર્ષથી હું એથલેટ છું અને એથલેટ તરીકે જ રિયો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં મને સિલ્વર મેડલ પણ મળ્યો છે. દીપા ભારતની પ્રથમ મહિલા છે જે પેરાઓલિમ્પિકમાં મેડલ જીતી છે.