સ્પેનઃ સ્પેનમાં મિજસ શહેરમાં એક અબજોપતિ મહિલાએ તાજેતરમાં પોતાની આલિશાન હવેલીએ પોતાનો ૪૦મો જન્મદિવસ ઉજવ્યો હતો. મહિલાએ યોજેલી ભભકાદાર ૨૦ ઓનલાઈન પાર્ટીમાં માલેતુજારો અને સેલિબ્રિટીઝને આમંત્રણ આપ્યું હતું. કોરોનાને લીધે દુનિયાભરમાં વીડિયો કોન્ફરન્સની મદદથી રાખેલી ૨૦ મિની પાર્ટીમાં લંડન, લોસ એન્જલસ, હોંગકોંગ, કુવૈત, કતાર, દુબઈ, પેરિસ અને મોસ્કો સામેલ હતું. પાર્ટીમાં મહિલાએ ૨૧.૫ મિલિયન એટલે કે આશરે રૂ. ૨ અબજ ૬૭ લાખથી વધારે ખર્ચ કર્યો હતો. આ બર્થડે પાર્ટીમાં ૧૫૦ મહેમાનો સામેલ થયા હતા. પાર્ટીમાં સામેલ મિત્રો અને પરિવારજનોને મોંઘા ગિફ્ટ ઘર સુધી પહોંચાડાયા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે, બર્થડે ગર્લે પોતાનું નામ ગુપ્ત રાખ્યું છે. મહિલાએ વર્ચ્યુઅલ સેલિબ્રેશન પહેલાં ૨૦ જગ્યાઓને સેનિટાઈઝ પણ કરાવ્યું હતું. સેનિટાઈઝેશનનો બધો ખર્ચો પણ તેણે ઉપાડ્યો હતો. દરેક મહેમાનોને માસ્કની સાથે ૬૨ લાખનું ડાયમંડનું બ્રેસલેડ આપ્યું હતું. ૧૫ લાખ રૂપિયાના પાર્સલમાં મેહમાનોના ઘર સુધી ફૂડ અને ડ્રિંક મોકલ્યું હતું.
મહિલાએ ૨૦ મિલિયન પાઉન્ડનો તો હીરા-મોતી જડિત ડ્રેસ પાર્ટીમાં પહેર્યો હતો. બર્થડે ગર્લનો આ ડ્રેસ યુકે ડિઝાઈનર અને આર્ટિસ્ટ ડેબી વિંઘમે ડિઝાઈન કર્યો હતો. આ કેપ ડ્રેસમાં ૪ કેરેટના ૧૫ દુર્લભ ડાયમંડ લગાવેલા હતા. ૩ કેરેટના ૨૦ બ્લેક ડાયમંડ, ૩ કેરેટના વ્હાઈટ ડાયમંડ, ૧ લાખ રૂપિયાનો બ્લૂ ડાયમંડ અને ૬ પીળા રંગના ડાયમંડ જડેલા હતા. ડ્રેસનું ફિનિશિંગ ૪ હજાર નાના ૧ કેરેટના ડાયમંડથી કર્યું હતું. તેમાં ૧ હજાર ફ્રેશ વોટર પર્લ લગાવ્યા હતા. ૨.૫૦ લાખ પાઉન્ડનો નેકલેસ પહેર્યો હતો.