દુબઇ, લંડનઃ 17 વર્ષીય ડાબોડી ઝડપી બોલર માહિકા ગૌરને 31ઓગસ્ટથી શરૂ થયેલી શ્રીલંકા વિરુદ્ધની સીરિઝ માટે ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવી છે. જોકે માહિકાની રમતનો પ્રારંભ યુએઈથી થયો હતો. તેણે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ યુએઈ માટે ઈન્ડોનેશિયા વિરુદ્ધ રમી હતી. એ પણ માત્ર 12 વર્ષની વયે.
જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સની આઈપીએલ મેચ જોયા બાદ મહિકાએ ક્રિકેટ રમવાનો નિર્ણય લીધો. માહિકા કહે છે કે, ‘અમે ઈંગ્લેન્ડ પરત ફર્યા તો મેં ગાર્ડનમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. અમુક દિવસમાં ઈંગ્લેન્ડની એક ક્લબ સાથે જોડાઈ હતી.’ પરંતુ 2014માં માહિકા અને તેના પરિવારે દુબઈ શિફ્ટ થવું પડ્યું. જ્યાં ક્રિકેટ ક્લબ ના મળતા તે બેડમિન્ટન રમવા ઉતરી. જોકે, પ્રથમ મેચ 21-3, 21-3થી હારી. માહિકા સમજી ગઈ કે આ રમતમાં તે આગળ નહીં જઈ શકે.
તે ફરી ક્રિકેટ તરફ વળી. યુએઈની કેપ્ટને માહિકાને બોલિંગ કરવા કહ્યું અને તે માહિકાએ ફેંકેલા ફુલટોસથી પ્રભાવિત થઈ. જે પછી માહિકાએ 2019માં સુપ૨ લીગમાં ઈન્ડોનેશિયા વિરુદ્ધ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી. પ્રથમ બોલ નો-બોલ ફેંક્યો પરંતુ લોકો તેની 6.2 ફૂટની હાઈટ અને બોલિંગ સ્ટાઈલથી પ્રભાવિત થયા.
આ વર્ષે ધ હન્ડ્રેડમાં માહિકાને માન્ચેસ્ટર ઓરિજિનલ્સ માટે પ્રારંભિક મેચો તક ના મળી. જોકે પછી તેણે 6 મેચ રમતા 7.38ની ઈકોનોમી સાથે 4 વિકેટ લીધી. વર્લ્ડ કપ વિજેતા ટીમની કેપ્ટન એલેક્સ હાર્ટલીએ કહે છે કે, ‘મહિકા બોલ સ્વિંગ કરીને કોઈ પણ ખેલાડીને દબાણમાં મૂકી શકે છે.’ માહિકાએ પોતાના આદર્શ જેમ્સ એન્ડરસનને ફોલો કરતા આગળ વધી રહી છે.
13 ઓગસ્ટે ટ્રેન્ટ રોકેટ્સની મેચ પહેલાં તેને ઈંગ્લેન્ડ ટીમ સાથે જોડાવવા ફોન આવ્યો. માહિકાને આટલી વહેલી તકે ઈંગ્લેન્ડ માટે રમવાની તક મળવાની આશા નહોતી. ટીમમાં એકેય સાઉથ એશિયન ખેલાડી નથી. માહિકાને શ્રીલંકા પ્રવાસ દરમિયાન રમવાની તક મળશે તેવી શક્યતા છે.