અનિતાને છેલ્લા કેટલાંક મહિનાઓથી રહીરહીને એક જ વિચાર સતાવતો હતો, ‘મેં બધાં માટે આખી જિંદગી ખર્ચી નાખી. પતિ અને ઘરની સંભાળ, બાળકોનો ઉછેર, સાસુ-સસરાની સેવા - બધી ફરજો અને કર્તવ્યો નિભાવ્યાં, પણ અંતે હું શું પામી?’
અનીતાએ આ વર્ષે જ જિંદગીનાં ૫૦ વર્ષ પૂરા કરવાની હતી. જિંદગી એક રૂટિનમાં સેટ થઈ ગઈ હતી, બાળકો મોટાં થઈ ગયાં હતાં, પતિ અનિકેત કારકિર્દીમાં વ્યસ્ત હતો, કદાચ વધુ પડતો વ્યસ્ત હતો. ઘણાં વર્ષોની એકધારી વ્યસ્તતા પછી અનીતાએ હવે થોડો ફાજલ સમય મળ્યો હતો. તેણે અરીસામાં ધારીને જોવાનું શરૂં કર્યું હતું. વાળની લટોમાં સફેદી હતી. આંખ નીચે કાળાં કૂંડાળાં અને ચહેરા પર આછી કરચલીઓ પણ દેખા દેવા માંડી હતી. શું જિંદગી હાથમાંથી સરી રહી હતી? શું અનિકેતને હવે તેનામાં રસ ઓછો થઈ ગયો હતો? બાળકો તેનાથી દૂર થતાં જતાં હતાં? તેનાં સપનાં, તેની ઇચ્છાઓ શું તે પૂરી કરી શકી હતી?
ચાળીસી વટાવ્યા બાદ મોટા ભાગની સ્ત્રીઓ અનીતાની જેમ ખિન્નતાની લાગણી અનુભવે છે. ફક્ત સ્ત્રીઓ જ નહીં, આ તબક્કે પુરુષો પણ આવી લાગણી અનુભવતા હોય છે, પણ મોટા ભાગે કારકિર્દીમાં વ્યસ્ત હોવાથી તેમને એનો ઝાઝો અનુભવ નથી થતો, જ્યારે સ્ત્રીઓને આ ઉંમરે આવી લાગણી વધુ ઘેરી લે છે, જેને મનોવૈજ્ઞાનિકો ‘મિડલાઇફ ક્રાઇસિસ’ તરીકે ઓળખાવે છે.
આપણે સૌ જીવનના કોઈ ને કોઈ તબક્કે ક્રાઇસિસ અથવા કટોકટીમાંથી પસાર થઈએ છીએ. ક્યારકે નાની કટોકટીઓ જેમ કે ટ્રેન ચૂકી જઈએ, કોલેજમાં નવા દાખલ થઈએ, ખાસ મિત્ર સાથે મનદુઃખ તો વળી ક્યારેક મોટી મોટી કટોકટી જેમ કે કોઈ સ્વજનનું અકાળે અવસાન, આર્થિક મુશ્કેલી, મોટી માંદગી વગેરે...
ક્રાઇસિસનો આવો જ એક પ્રકાર છે મિડલાઇફ ક્રાઇસિસ. જીવનના મધ્ય તબક્કે ઉદભવતી કટોકટી. કેટલીયે સ્ત્રીઓ ૪૦ વર્ષની વયે અથવા ચાલીસ વર્ષની વય વટાવી ચૂક્યા બાદ થોડાં વર્ષો સુધી આ પ્રકારની તનાવયુક્ત પ્રતિક્રિયાથી પીડાય છે. ‘મારું જીવન તો આમ ને આમ વીતી ગયું! ક્યારે આટલાં વર્ષો વીતી ગયા ખ્યાલ જ ન રહ્યો! હું ૪૫ વર્ષની થઈ ગઈ? શું કર્યું? શું પામી? અને શું જીવી? છેલ્લાં ૧૫ વર્ષથી એકધારું, એકસરખું જીવન જીવી રહી છું અને હવે નથી લાગતું કે આવનાર વર્ષોમાં આ રૂટિન જીવનમાં કોઈ પરિવર્તન આવે!’ કંઈક આવી દુવિધા, વિચારોની ગડમથલ મિડલ એજેડ સ્ત્રીઓના માનસમાં ચાલતી હોય છે. ૪૦ વર્ષના ઉંબરે સૌ પ્રથમવાર આપને ઉંમર થયાનો અહેસા થાય - એકાદ સફેદ વાળ, કમર અને ખભાનો દુખાવો, થોડું વધતું વજન, થોડી ઘણી કરચલીઓ, ઢીંચણમાં સહેજ દુખાવો, કંટાળો, થાક, નિરુત્સાહીપણું, બેતાળા, આંખ નીચે કાળાં કુંડાળાં વગેરે...
શારીરિક પરિવર્તનની સાથોસાથ મિડ લાઇફ તબક્કો આવેગાત્મક તણાવયુક્ત પણ પુરવાર થાય છે. તમે તમારા વર્તમાન જીવનની ઘટમાળ વિશે વિચારીને વારંવાર નિરાશા, વિષાદ, હતાશા, અસંતોષનો અનુભવ કરો અને એક જ પ્રશ્ન માનસમાં ઘુમરાયા કરે. શું હું સુખી છું? મેં શું હાંસલ કર્યું? હવે આવનાર વર્ષોમાં વિશેષ શું? અહીં નોંધ લેવા જેવી એક બાબત એ છે કે આ તણાવયુક્ત પરિસ્થિતિ દરેક સ્ત્રીના જીવનમાં આવે છે પછી ભલે તે વ્યવસાયિક મહિલા હોય, કે ગૃહિણી, શિક્ષિત હોય કે અશિક્ષિત, ગમે તે દેશ, સંસ્કૃતિ કે ધર્મની હોય, આર્થિક રીતે આત્મનિર્ભર હોય કે પછી પરાધીન હોય...
આમ થવાનાં કારણો?
શા માટે જીવનના આ મધ્ય તબક્કે આવા નિષેધક વિચારો આવે છે? વારંવાર મિડલાઇફ ક્રાઇસિસના અનેક કારણોમાં મુખ્ય કારણ છે પેરીમેનોપોઝ.
આ મેનોપોઝની પૂર્વાવસ્થા છે, જેમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું અસંતુલન આ પ્રકારની ખિન્નતા અને તણાવ માટે જવાબદાર હોય છે. તદઉપરાંત આ સાથે કેટલીક મહત્ત્વપૂર્ણ ઘટનાઓ સ્ત્રીના જીવનના આ મધ્ય તબક્કે એક સાથે ઘટે છે. એટલે કે મલ્ટિપલ ક્રાઇસિસ. જેમ કે, ઘરમાં વડીલોનું કથળતું સ્વાસ્થ્ય અથવા મૃત્યુ (બંને પક્ષે - સાસરીમાં કે પિયરમાં), બાળકોની કારકિર્દી ઘડતરની ચિંતા, ક્યારેક એકાદ બાળકને શિક્ષણને નોકરી અર્થે ઘર છોડી જવું પડે, પુત્રવધૂ આવે કે દીકરી પરણીને વિદાય થાય અને તેના પરિણીત જીવનની ચિંતા ઘેરી વળે. આ જ તબક્કા દરમિયાન પતિના સ્વાસ્થ્યની અથવા તેની નોકરીની સમસ્યાઓ પણ ઉદભવે છે. વળી, પતિ મહત્ત્વાકાંક્ષી હોય તો પોતાના વ્યવસાય, ધંધા, નોકરીમાં વિશેષરૂપે પરોવાયેલાં રહે અને ત્યારે તમને તેની ગેરહાજરી, ટૂરિંગ ખટકે. તમારો પતિ તમારાથી અને પરિવારથી દૂર જઈ રહ્યો છે અથવા કોઈક લગ્નોપરાંત સંબંધમાં આકર્ષાયો છે તેવો ભય તમને કોરી ખાય છે.
વળી, તમે પોતે પણ જો નોકરી કરતા હો તો તમારી પોતાની કારકિર્દીની સમસ્યાઓ જેવી કે બઢતી અને તેને કારણે બદલી, કૌટુંબિક જવાબદારીઓ માટે તમારી વ્યાવસાયિક બઢતીનો ભોગ આપવો પડે, નવા યુવા કર્મચારીઓ સાથે સ્પર્ધા કે સરખામણીનો ભય, સમય સાથે તાલ મિલાવી કારકિર્દીમાં માહિતીસભર રહેવું, ક્યારેક સહકર્મચારીઓ કે ઉપરી અધિકારી તરફથી કોઈ પ્રકારે સતામણી અને આ બધું કરતાં માનસિક અને શારીરિક થાક વગેરે પણ મિડલાઇફ ક્રાઇસિસનાં કારણો છે.
મુખ્ય લક્ષણો
મિડલાઇફ ક્રાઇસિસના તબક્કાનાં મુખ્ય લક્ષણો નીરસતા, નિરુત્સાહી, થાક, અરોચકતા અને કંટાળાયુક્ત વિચારો છે! તમારા મગજમાં એક જ વિચાર ઘૂમ્યા કરે છે કે ‘મારે હવે પછી મારી જિંદગીમાં આનું આ જ કાર્ય નથી કરવું.’
સમય જાણે ખૂટતો જતો હોય તેવું લાગે, સંબંધો પોકળ અને વ્યર્થ લાગે, સ્વજનો સ્વાર્થી અને સંવેદનવિહીન લાગે, સાસરીમાં કે પિયરમાં બધાનું માઠું લાગે, ઓછું આવી જાય, કોઈ કદર નથી કરતું, ઉપેક્ષા થાય છે, સૌ પોતપોતાનામાં પડ્યાં છે, પતિ, વડીલો, મિત્રો, બાળકો પ્રત્યે ફરિયાદો વધતી જાય... ક્યારેક ભાષા પણ કર્કશ થાય, ગુસ્સો અને પસ્તાવો ત્યાર બાદ રુદન એક નિત્યક્રમ બની જાય.
આ તબક્કામાં એક પ્રકારની અધીરાઈ ઘેરી વળે છે કે બધું ભોગવી લઈએ, કરી લઈએ, મેળવી લઈએ, માણી લઈએ.