લખનઉઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે રવિવારે સાઉથ આફ્રિકા સામેની પહેલી વન-ડેમાં મેદાન પર ઉતરવાની સાથે જ વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. કુલ ચાર દસકાની ક્રિકેટ કારકિર્દી ધરાવતી મિતાલીને વન-ડે ક્રિકેટ રમતાં ૨૧ વર્ષ ૨૫૪ દિવસ થઇ ગયા છે. આમ સચિન તેંડુલકર બાદ તે સૌથી લાંબી કારકિર્દી ધરાવે છે. સચિને ૨૨ વર્ષ ૯૧ દિવસ વન-ડે રમી છે.
મિતાલી રાજે ૨૮ જૂન ૧૯૯૯માં આયર્લેન્ડ સામેની વન-ડેમાં ડેબ્યુ કર્યું હતું. મિતાલી સાઉથ આફ્રિકા સામે અડધી સદી પણ ફટકારી હતી. આ તેની વન-ડેમાં ૫૪મી અડધી સદી છે. તે હાલના ભારતીય ક્રિકેટરોમાં સૌથી વધુ અડધી સદીમાં બીજા ક્રમે છે. વિરાટ કોહલીએ ૨૫૧ મેચમાં ૬૦ અડધી સદી ફટકારી છે.
રોહિત શર્મા ૨૨૪ મેચમાં ૪૩ અડધી સદી સાથે મિતાલીની પાછળ છે. આ મિતાલીની ૨૧૦મી વન-ડે મેચ હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતને ૮ વિકેટે પરાજય આપ્યો હતો. ભારતીય મહિલા ટીમે ૪૮૬ દિવસ બાદ વન-ડે મેચ રમી હતી. ભારતે પહેલા બેટિંગ કરતા ૯ વિકેટ ૧૭૭ રન કર્યા હતા.
સાઉથ આફ્રિકાએ ૪૦.૧ ઓવરમાં ૨ વિકેટે જીત મેળવી લીધી. લિજેલ લી (૮૩) અને લોરા વોલવાર્ટ (૮૦)એ ઝમકદાર બેટિંગ કર્યું હતું. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ મેચની વન-ડે સિરીઝ રમાઇ રહી છે.