છેલ્લાં ૩ વર્ષમાં સામાજિક કાર્યકર મિત્તલ પટેલે દુષ્કાળગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાનાં ૫૦થી વધુ ગામોમાં ૯૧ તળાવો ખોદાવ્યાં છે. વર્ષ ૨૦૧૫થી વોટર વુમન ઓફ ગુજરાત (ગુજરાતની પાણીવાળી બાઇ) તરીકે ઓળખાતી ૩૮ વર્ષીય મિત્તલ કહે છે, હું નથી ઇચ્છતી કે આપણી આવનારી પેઢીને એવું ભણાવવું પડે કે એક હતું તળાવ. આપણા પૂર્વજોએ જળસંગ્રહ, જળસંચય અંગે સારી વ્યવસ્થા કરેલી જ છે, માત્ર થોડી વ્યવસ્થિત કરવાની જરૂર છે. કહેવાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણીના કારણે થશે, તો શું આપણે યુદ્ધ થાય તેની રાહ જોવાની? મહેસાણાના અંતરિયાળ શંખલપુર ગામમાં સમૃદ્ધ ખેડૂત પરિવારમાંથી આવતી મિત્તલ પટેલને આઇએઅસ બનવું હતું અને તે સપનાં સાથે ૨૦૦૪માં અમદાવાદ આવી હતી. અભ્યાસના ભાગરૂપે શ્રમિક-રખડતું ભટકતું જીવન જીવતા પરિવારો સાથે પરિચયમાં આવી અને તેના જીવનનો ધ્યેય બદલાઇ ગયો.
ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યાં
વર્ષ ૨૦૧૫માં થરાદના વાડિયામાં ભટકતું જીવન ગુજારતા સરાણિયા જાતિના લોકોને રોજગાર મળે તે માટે મિત્તલે જમીન અપાવી અને ખેતી શરૂ કરાવી, પણ પાણીના અભાવે ખેતીમાં મુશ્કેલી જોઇ. આ જ વર્ષે બનાસકાંઠામાં ભયાનક પૂર આવ્યું. જાનમાલના નુકસાન સાથે પાણીનો વેડફાટ જોયો. ત્યારથી મિત્તલે ‘પાણી બચાવો, પાણી બઢાઓ’ નાતે તળાવો ખોદાવાનું કામ શરૂ કરાવ્યું. થરાદના આસોદર ગામમાં મહામહેનતે ૭ તળાવ ખોદાવ્યા. ૨૦૧૭માં આ વિસ્તારમાં ભારે વરસાદ થતાં ફરી પૂર આવ્યું. પાણીથી આ તળાવો ભરાયાં અને ગામમાં પૂરથી નુકસાન ન થયું. આ સાથે તળાવમાં પાણીનો સંગ્રહ થતાં ભૂગર્ભ જળસ્તર ઊંચાં આવ્યાં. કાંકરેજ તાલુકાનાં કાકર ગામના ખેડૂત બાબુભાઇ દેસાઇ કહે છે કે, તળાવ ખોદાવ્યા પછી સરકારે નર્મદાનું પાણી આપતાં તળાવમાં મશીન મૂકીને નાના ખેડૂતો એમાંથી સિંચાઇ કરે છે. તળાવમાં ૮૦૦-૮૫૦ ફૂટ નીર હતાં તે રિચાર્જ થતાં ૬૦૦-૬૫૦ ફૂટ થયાં છે. બોરને પણ નવજીવન મળ્યું છે. અધગામના વાલાબા અને મખાણુંના ભાણાભાઇ કહે છે કે, તળાવ ઊંડાં થવાથી પાણીનાં તળ ઊંચાં આવ્યાં અને સારી ખેતી સહિત અનેક ફાયદા થયાં છે.