મિનરલ મેક-અપઃ નેચલર લુક, નિરોગી ત્વચા

Wednesday 05th August 2015 08:20 EDT
 
 

સૌંદર્ય સજ્જાની દુનિયામાં મિનરલ મેક-અપ આગવું સ્થાન મેળવી રહ્યો છે. યુવતીઓ અને બ્યુટિશ્યનમાં લોકપ્રિય થઇ રહેલા આ મિનરલ પાવડર મેક-અપની વિશેષતા એ છે કે અન્ય મેક-અપ કરતાં સારો અને નેચરલ લુક આપે છે અને ત્વચાને નિરોગી પણ રાખે છે. મેક-અપ સામાન્યતઃ પાવડર અથવા ક્રીમ, ફાઉન્ડેશન, કન્સીલર, ફિનિશિંગ પાવડરના રૂપમાં મળે છે. જ્યારે મિનરલ મેક-અપ ખુલ્લા પાવડરના રૂપમાં મળે છે. જે બ્રશ દ્વારા ચહેરા પર લગાવાય છે.

કોઈ પણ મેક-અપ જેમ કે કોમ્પેક્ટ, ફાઉન્ડેશન તથા આઈ-શેડો બનાવવા માટે એમાં ભરપૂર માત્રામાં કેમિકલ્સનો ઉપયોગ થતો જોવા મળે છે, પણ મિનરલ મેક-અપ બનાવવા માટે કેમિકલનો નહીં, પણ મિનરલનો ઉપયોગ થાય છે. આમ તેમાં કેમિકલનું પ્રમાણ નહીંવત્ હોય છે. મિનરલ મેક-અપમાં જે તત્વોનો ઉપયોગ થાય છે તે બધી સ્કિન-હેલ્ધી પ્રોડક્ટ હોય છે.

મિનરલ મેક-અપમાં બાઈન્ડિંગ કરવા માટે જે તત્વો કેમિકલ વપરાય છે એ સ્કિન-ફ્રેન્ડલી હોય છે. તે ત્વચાને તંદુરસ્ત અને નિરોગી રાખે છે. આ મેક-અપ સો ટકા નોન-એલર્જિક છે એટલે કોઈ પણ પ્રકારની ત્વચાને અનુકૂળ છે. ખાસ કરીને ઈન્ડિયન સ્કિન પર આનું સારું રિઝલ્ટ જોવા મળે છે.

જો તમારી સ્કિન ઓઈલી હોય તો મિનરલ મેક-અપ તમારા માટે સૌથી બેસ્ટ ઓપ્શન હશે, કેમ કે આ મેક-અપ તમારી સ્કિનમાંથી ઓઈલ ચૂસી લે છે અને તમારી સ્કિનને શ્વાસ લેવા દે છે. આ સિવાય મિનરલ મેક-અપ ડ્રાય સ્કિન અને સેન્સિટિવ સ્કિન માટે પણ સારો છે.

શેનાથી બને છે?

મોટા ભાગના મિનરલ પાવડર મેક-અપ કોસ્મેટિક્સ બનાવવા માટે અમુક પ્રકારના મિનરલનો ઉપયોગ કરવામાં આવે છે. જેવા કે ઝિંક ઓક્સાઈડ, ટાઈટેનિયમ ડાયોક્સાઈડ, આર્યન ઓક્સાઈડ વગેરે. મિનરલ મેક-અપ બીજા મેક-અપ કરતાં લાઈટ ફિનિશિંગ આપે છે. આ મેક-અપ વિવિધ રંગોમાં મળે છે. જેથી કોઈ પણ પ્રકારના સ્કિન-ટોન સાથે મેચ થઈ શકે. મિનરલ મેક-અપ તમને નેચરલ લુક આપે છે.

સ્કિનનું પ્રોટેક્શન વધે

જે મહિલાઓને રોજેરોજ મેક-અપ કરવો પડે છે તેમની સ્કિન ખરાબ થતી જાય છે આવી મહિલાઓ માટે મિનરલ મેક-અપ એક સારો ઓપ્શન છે. મિનરલ મેક-અપથી સ્કિનનું પ્રોટેક્શન વધે છે. આ મેક-અપની સારી ગુણવત્તાને કારણે આ મેક-અપ ઘણો ખર્ચાળ છે. આથી જ તેની લોકપ્રિયતા મર્યાદિત રહી છે. તમે એમ કહી શકો કે સોમાંથી ચાલીસ ટકા લોકો જ આ મેક-અપથી માહિતગાર છે, પણ કોસ્મેટિક કંપનીઓ મિનરલ મેક-અપ વાપરવા પર જોર આપી રહી છે. તેમ જ મિનરલ મેક-અપ પ્રોડક્ટ બનાવવા માટે આગળ પણ વધી રહી છે. અત્યારે માર્કેટમાં મિનરલ મેક-અપના પ્રોડક્ટમાં લિપસ્ટિક સિવાય ફાઉન્ડેશન, પાઉડર, આઈ-શેરો, બ્લશર અવેલેબલ છે.

અને છેલ્લે, આ મિનરલ મેક-અપનો જન્મ થયો કઇ રીતે? દરેક શોધ-સંશોધનના મૂળમાં જરૂરત રહેલી હોય છે. મિનરલ મેક-અપને પણ આ વાત લાગુ પડે છે. મિનરલ મેક-અપ ફ્રાન્સ અને અમેરિકામાં ઘણા લાંબા સમયથી પ્રચલિત છે ત્યાંના હોલીવૂડ સ્ટાર્સને રોજે-રોજ મેકઅપ કરવો પડતો હતો. આથી સમય જતાં તેમની સ્કિન ખરાબ થવા લાગી અને ત્વચા સાથે સંકળાયેલા ઘણા બધા પ્રોબ્લેમ થવા લાગ્યા હતા. કેટલાક અભ્યાસમાં તો એવું પણ પુરવાર થયું કે મેક-અપના સતત અને વધુ પડતા ઉપયોગથી સ્કિનનાં કેન્સર પણ થાય છે. આથી આ પ્રોબ્લેમ રોકવા માટે કોસ્મેટિક કંપનીઓ આગળ આવી અને એમણે મિનરલ મેક-અપ બનાવવાનું ચાલુ કર્યું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter