એક કરતાં વધારે ક્ષેત્રમાં કુશળ હોવું એ કંઇ નાનીસૂની વાત નથી. એના માટે દિવસ-રાત મહેનત કરવી પડે છે. આપણામાં કહેવત છેને કે સિદ્ધિ તેને જઇ વરે જે પરસેવે ન્હાય. આવા લોકોની યાદીમાં સિની શેટ્ટીનો સમાવેશ અચૂક કરવો પડે. બે દાયકા વટાવી ચૂકેલી સિની શેટ્ટી હાલમાં મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતી ચૂકી છે.
વાત જાણે એમ છે કે થોડા સમય પહેલાં મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં મિસ ઇન્ડિયા 2022ના ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 21 વર્ષની સિની શેટ્ટીએ મિસ ઇન્ડિયા 2022નો ખિતાબ જીત્યો છે. મિસ ઇન્ડિયાની આ સ્પર્ધામાં એકબે નહીં પરંતુ 31 યુવતીઓએ ભાગ લીધો હતો. એ તમામમાં બેસ્ટ પ્રદર્શન કરી મૂળ કર્ણાટકની સિની મિસ ઇન્ડિયા બની ગઇ છે.
સિની શેટ્ટીનો જન્મ 2000માં માયાનગરી તરીકે ઓળખાતા મુંબઈ મહાનગરમાં થયો હતો. તેના પિતાનું નામ સદાનંદ અને માતાનું નામ હેમા શેટ્ટી છે. તેને એક ભાઇ છે, એનું નામ શિકિન શેટ્ટી છે. સિનીના પિતા હોટેલિયર છે. સિની શેટ્ટીના અભ્યાસની વાત કરીએ તો સિની શેટ્ટીએ મુંબઈની સેન્ટ ડોમિનિક સાવિયો વિદ્યાલયમાં સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. એ પછી કોમર્સમાં ગ્રેજ્યુએશન કરીને એકાઉન્ટ અને ફાઇનાન્સની ડિગ્રી મેળવી છે. સિની અત્યારે ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ એનાલિસ્ટ (સીએફએ)નો અભ્યાસ કરી રહી છે. હાલમાં તે પરિવાર સાથે કર્ણાટકમાં રહે છે અને ત્યાંથી અભ્યાસની સાથે પોતાનું કામ કરી રહી છે.
અભ્યાસ ઉપરાંત સિની શેટ્ટી કલામાં પારંગત છે. તેણે ફક્ત ચાર વર્ષની ઉંમરમાં જ ડાન્સ શીખવાનું શરૂ કર્યું હતું. તમને જાણીને નવાઇ લાગશે કે 14 વર્ષની ઉંમરમાં સિનીએ પહેલું સ્ટેજ પરફોર્મન્સ કર્યું હતું. તે એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ્ ડાન્સર છે. તે એક કુશળ ડાન્સર હોવાનું તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ખ્યાલ આવે છે. ડાન્સિંગ સિનીનો શોખ છે આ ઉપરાંત તેને ટ્રાવેલિંગ કરવું ગમે છે. તેણે પોતાની મોડેલિંગ કરિયરની શરૂઆત 15 વર્ષની ઉંમરથી કરી દીધી હતી. તેણે મુંબઈની પર્પલ મોડેલિંગ એજન્સી જોઇન્ટ કરી હતી. મોડેલિંગ કર્યાં બાદ તેણે ઘણીબધી બ્રાન્ડ માટે અને તેમની એડવર્ટાઇઝ માટે એડ શૂટ કરી હતી. એમાં એર ટેલ, ફ્રી ફાયર, પેન્ટાલૂન વગેરે સામેલ છે.
આજકાલ યંગ જનરેશનમાં રીલ બનાવવાનો ક્રેઝ છે. એમાં સિની શેટ્ટીનો પણ સમાવેશ કરવો રહ્યો. સિનીએ અત્યાર સુધીમાં અનેક રીલ પોતાના ઇન્સ્ટાગ્રામ પર મૂકી છે. રીલમાં તે એક્ટિંગ અને મોડેલિંગ કરતી પણ જોવા મળે છે. સિની શેટ્ટીના અમુક વીડિયો તો ઘણા ફેમસ છે. જેમાં તેને અનેક મિલિયન કરતાં વધારે વ્યૂ મળ્યા છે. તે એટલી ફેમસ છે કે તેના 70 હજાર કરતાં વધારે ફોલોઅર્સ છે.
સિની શેટ્ટીની પર્સનલ લાઇફની વાત કરીએ તો તે અનમેરિડ છે. તે હાલમાં કોઇની સાથે કમિટેડ નથી. સિની શેટ્ટી ફુલટાઇમ મોડેલિંગ કરવાને બદલે પાર્ટટાઇમમાં મોડેલિંગ કરવાનું પસંદ કરે છે. તે પોતાના ભણતર ઉપર પણ વિશેષ ધ્યાન આપવા માંગે છે. સિનીને તેના સૌંદર્ય અને અદ્ભુત બોડી લેંગ્વેજના કારણે અનેક સીરિયલમાં એક્ટિંગની તક મળી હતી. હવે સિની શેટ્ટી મિસ વર્લ્ડનો ખિતાબ મેળવવા પ્રયત્ન કરશે એવું એનું કહેવું છે. સાથે સાથે જ તે સમાજ સેવાનું કામ પણ કરવા માગે છે. તે કહે છે કે હું જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને સમાજમાં ઉપયોગી થવા માંગુ છું.
સિનીને જ્યારે સ્ત્રીઓ માટે તે શું મેસેજ આપવા માંગે છે તે વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે હું તો હજી સલાહ આપવા માટે ઘણી નાની છું, પણ હું દરેક છોકરીને માત્ર એટલું જ કહીશ કે, તમે જે કંઈ પણ કામ કરો એ ખંતથી કરો તો એમાં સફળતા અચૂક મળે છે. તમે જે કામ દિલથી કરવા માંગતા હોવ તે કામ કરશો તો તમે ચોક્કસ મન લગાવીને કામ કરી શકશો, કારણ કે તે કામ તમે મન લગાવીને કરી શકશો. જે કામ મનથી થશે તે મહેનતથી થશે.