મુંબઈમાં જન્મેલી ભારતીય ધ્વનિ કોઠારી મિસ ઈંગ્લેન્ડની સ્પર્ધાની ફાઈનલમાં પહોંચી છે અને ૨૭ ઓગસ્ટે આયોજિત ગ્રાન્ડ ફિનાલેમાં તે સરેનું પ્રતિનિધિત્વ કરશે. ધ્વનિના શિરે મિસ સરે ૨૦૨૧નો તાજ છે અને મિસ ઈંગ્લેન્ડ ૨૦૨૧ની સ્પર્ધામાં તે નેશનલ ફાઈનલિસ્ટ છે. ધ્વનિ મિસ ઈંગ્લેન્ડ ટાઈટલ જીતવા માગે છે જેથી આ ટાઈટલ અને પ્લેટફોર્મનો ઉપયોગ બ્રેઈન ટ્યૂમર ચેરિટી વિશે જાગૃતિ કેળવવામાં કરી શકે. તે એક દિવસ સમગ્ર વિશ્વ ટ્યૂમરરહિત હોય તેમ જોવાં ઈચ્છે છે.
ધ્વનિ ૬ વર્ષની હતી ત્યારે તે માતાપિતા સાથે યુકેમાં આવી હતી. તે ૮ વર્ષની હતી ત્યારે તેની માતાનું બ્રેઈન ટ્યૂમરનું ઓપરેશન કરાયું હતું અને તેણે ત્રણ મહિના માતાની ગેરહાજરીમાં વીતાવવાં પડ્યાં હતાં. ધ્વનિ હાલ યુનિવર્સિટી ઓફ લેસ્ટર ખાતે મેડિકલ સાયન્સીસનો અભ્યાસ કરી રહી છે અને દેશની સેવાના સ્વપ્ન સાથે ડોક્ટર બનવાની મહેચ્છા ધરાવે છે. તે અલ્ઝાઈમર્સ એસોસિયેશન માટે નાણાભંડોળ એકત્ર કરી રહી છે અને અનાથાશ્રમો-ઓર્ફનેજ હોમ્સમાં બાળકો સાથે પોતાનો જન્મદિન ઉજવવાનું ગમે છે.
ધ્વનિ કોઠારી ગત ચાર વર્ષથી બ્રેઈન ટ્યૂમર ચેરિટી યુકે સાથે સંકળાયેલી છે અને ચેરિટી માટે નાણાભંડોળ પણ એકત્ર કરે છે. તે આ સપ્ટેમ્બર મહિનાથી બ્રેઈન ટ્યૂમર ચેરિટી યુકેની ‘યંગ એમ્બેસેડર’ બનવાની આશા સેવી રહી છે. હાલમાં તે બ્યુટી વિથ પરપઝ ચેરિટી માટે નાણાભંડોળ એકત્ર કરવા ૧૦૦ માઈલનું જોગીંગ કરી રહી છે.
સૌંદર્યસ્પર્ધાના એક રાઉન્ડમાં તેને પોતાની હોમ કાઉન્ટી સરેનું પ્રમોશન કરવાનું હતું. ‘એક્સપ્લોર ધ નેશન’ નામના આ રાઉન્ડમાં ૪૩ ફાઈનલિસ્ટ પોતાના વિસ્તારોને પ્રમોટ કરવામાં રોકાયેલા હતા અને તેનું જીવંત પ્રસારણ કરાયું હતું. આ રાઉન્ડમાં હોસ્પિટાલિટી અને ટુરિઝમ સેક્ટર ફરી પગભર થાય તેમાં મદદ કરવાનો આશય હતો. ધ્વનિ કોઠારીએ હવે ટોપ ૧૦ ફાઈનલિસ્ટમાં સ્થાન મેળવી લીધું છે. ધ્વનિએ ‘ગુજરાત સમાચાર’ - ‘એશિયન વોઈસ’ને આપેલી વિશેષ મુલાકાતમાં આ સૌંદર્યસ્પર્ધા વિશે વિગતે વાતચીત કરી હતી.
ધ્વનિ કોઠારીએ કહ્યું હતું કે આ સૌંદર્યસ્પર્ધામાં પહોંચવામાં સખત મહેનત, સમર્પણ-નિષ્ઠા તેમજ મિત્રો અને પરિવારના સમર્થનના પરિબળો મહત્ત્વના બની રહ્યા છે. આ સ્પર્ધા માત્ર શારીરિક સૌંદર્ય કે ખૂબસૂરત ચહેરાને સંબંધિત નથી. ચેરિટી કામકાજ પણ મહત્ત્વનું છે. આથી જ, સ્પર્ધાનું નામ ‘બ્યૂટી વિથ પરપઝ’ છે. તેણે સ્પષ્ટ કર્યું હતું કે ટેલિવિઝન અને ડિજિટલ મીડિયા પર જે એડિટ કરેલા વર્ઝન દર્શાવાય છે તેના કરતા અલગ જ બાબત હોય છે. સ્પર્ધામાં ઘણા રાઉન્ડ્સ હોય છે. આ દરેક રાઉન્ડ માટે સખત મહેનત કરવી પડે છે. આ સાથે સ્પર્ધકોએ તેઓ જે ચેરિટી કામકાજ કરતા હોય તે પણ ચાલુ રાખવું પડે છે.
ધ્વનિએ સ્વીકાર્યું હતું કે ‘આ સ્પર્ધાના અનુભવથી મારાં જીવનમાં ધરમૂળથી બદલાવ પણ આવ્યો છે. મને બધા ઓળખતાં થયાં છે. લોકોને મળવામાં અને તેમની સાથે વાતચીત કરવામાં વધુ આત્મવિશ્વાસ આવ્યો છે. મારાં મિસ સરે ટાઈટલનો ઉપયોગ હું જેની સાથે ગત ચાર વર્ષથી સંકળાયેલી છું તે બ્રેઈન ટ્યુમર ચેરિટી માટે નાણા એકત્ર કરવામાં કર્યો છે.’
હવે ધ્વનિ સરેમાં આવેલા પ્રિન્સેસ ક્રિશ્ચિયન્સ કેર હોમ ફોર અલ્ઝાઈમર્સની મુલાકાત લેવાની છે અને તેમની સાથે આનંદથી સમય વીતાવીશે. ધ્વનિ કહે છે કે, ‘દરેક પેશન્ટ મારી મુલાકાતના સમયમાં પ્રિન્સેસ હોવાની લાગણી અનુભવે તેમ ઈચ્છું છું.’
આ સ્પર્ધામાં અત્યાર સુધીની યાત્રામાં લાભ અને અનુભવ વિશે ધ્વનિએ જણાવ્યું હતું કે, ‘અદ્ભૂત અનુભવ રહ્યો છે જેના સ્મરણો હું જીવનભર વાગોળીશ. મેં ઘણા મિત્રો બનાવ્યાં છે. સ્પર્ધામાં ભાગ લેતાં પહેલાં હું ઘણી અંતર્મુખ વ્યક્તિ હતી પરંતુ, હવે વધુ આત્મવિશ્વાસથી લોકો સાથે વાતચીત કરી શકું છું. જો મિસ ઈંગ્લેન્ડ ટાઈટલ જીતી લેશો તો શું કરશો તે પ્રશ્નના જવાબમાં ધ્વનિએ જણાવ્યું હતું કે, ‘જો હું આ મિસ ઈંગ્લેન્ડ ટાઈટલ જીતી જઈશ તો મારાં ચેરિટી કામકાજને સમગ્ર વિશ્વ સમક્ષ મૂકવાની મને તક મળશે અને તેનાથી બ્રેઈન ટ્યૂમર વિશે જાગૃતિ ફેલાવવામાં મને મદદ મળશે.’
ધ્વનિ કોઠારીની તરફેણમાં મતદાન કરવા માટે Miss England App ડાઉનલોડ કરવાની રહેશે. આ ઉપરાંત, વેબસાઈટ www. Miss England.info પરથી પણ મતદાન કરી શકાશે. ધ્વનિ ૧૦મા ક્રમાંકની સ્પર્ધક છે અને મત આપવો સરળ છે. તેના ચિત્ર પર રહેલા સ્ટારને ક્લિક કરવા સાથે તેની તરફેણમાં મત રજિસ્ટર્ડ થઈ જશે. ધ્યાન રાખશો કે દરરોજ એક મત મફત આપી શકાય છે.