જયપુરઃ મિસ યુનિવર્સ ઈન્ડિયા-2024નો તાજ અમદાવાદની 19 વર્ષની રિયા સિંઘાએ પોતાના નામે કરી લીધો છે. આ સ્પર્ધા રાજસ્થાનના ગુલાબી શહેર જયપુરમાં આયોજિત કરાઈ હતી. 2015માં મિસ યુનિવર્સ ઈન્ડિયા જીતનાર ઉર્વશી રૌતેલાએ રિયા સિંઘાના માથે તાજને મુક્યો હતો. પોતાની સુંદરતા અને બુદ્ધિમતાથી આ પ્રતિષ્ઠિત સ્પર્ધા જીતવા પર રિયાનો પરિવાર ખૂબ ગૌરવ અનુભવી રહ્યો છે.
મિસ યુનિવર્સ 2024નો તાજ જીત્યા પછી રિયા સિંઘાએ કહ્યું કે, ‘આજે તાજ જીત્યા પછી હું તમારી આભારી છું. આ એક સપનું સિદ્ધ થવા સમાન છે. મેં આ મુકામ સુધી પહોંચવા માટે આકરી મહેનત કરી છે, એટલા માટે હું નિશ્ચિત રીતે આ તાજની હકદાર છું.’ હવે રિયા મિસ યુનિવર્સ 2024 માટે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે. મિસ યુનિવર્સ 2024ની સ્પર્ધા મેક્સિકોમાં યોજાવાની થશે.
રિયાએ મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ 51 હરિફોને હરાવીને જીત્યો છે. રિયા સિંઘા ગુજરાતના અમદાવાદની રહેવાસી છે. તેના ઈંસ્ટાગ્રામ બાયો મુજબ, એ ખુદને ટેડેક્સના વક્તા તરીકે ઓળખાવે છે. એક મોડેલ હોવા ઉપરાંત એ એક અદાકાર પણ છે. વર્તમાનમાં પર્ફોર્મિંગ આર્ટ્સનો અભ્યાસ કરી રહી છે. એટલું જ નહીં, રિયા એક આધુનિક ફેશન ડિઝાઈનર છે.
આ વિજય બાદ રિયા મેક્સિકોમાં આયોજિત થનારી મિસ યુનિવર્સ 2024ની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રિયા સિંઘા એક મોડલ છે જે અમદાવાદમાં રહે છે. રિયા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના 50 હજાર જેટલા ફોલોઅર્સ છે. રિયાના પિતા બ્રિજેશ સિંઘા એક ઉદ્યોગ સાહસિક છે અને ઓનલાઇન સ્ટોરફ્રન્ટ ઇસ્ટોર ફેક્ટરી ચલાવે છે. રિયાએ સ્કૂલ એજ્યુકેશન અમદાવાદની મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી મેળવ્યું છે અને હાલમાં અમદાવાદની જીએલએસ યુનિવર્સિટીમાંથી પરફોર્મિંગ આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કરી રહી છે.