ગર્ભમાં જ બાળકને ગુમાવવાની પીડા બહુ જ દુઃખદ હોય છે. એ પીડા પછી ફરીથી બીજી વાર બાળક માટેના પ્રયત્ન વખતે પણ સ્ત્રીઓ બહુ એન્ગ્ઝાયટી અનુભવતી હોય છે. અમેરિકાના અલબામા રાજ્યના ફિફે શહેરમાં રહેતી ફોટોગ્રાફર એશ્લી સાર્જન્ટે આવી ગર્ભપાતની પીડામાંથી ગુજરી ચૂકેલી હોય એવી મહિલાઓને એકઠી કરીને આશાના કિરણ સમાન ફોટોગ્રાફ લેવાનું વિચાર્યું. આ માટે તેણે ફેસબુક અકાઉન્ટ પર એનાઉન્સ કરીને મિસકેરેજની પીડા સહન કરી ચૂકેલી ૪૦ મહિલાઓને એકઠી કરી. આશાના કિરણમાં મેઘધનુષના રંગની થીમ રાખવામાં આવી અને તમામ મહિલાઓને મેઘધનુષના રંગોની સીક્વન્સમાં એટલે કે ડાબેથી જમણે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એમ સાત રંગોના શેડમાં ઊભી રાખીને તસવીર પાડી હતી. પોતે જ્યારે બાળક ગુમાવ્યું ત્યારના દુખદર્દની વાતો શેર કરીને મહિલાઓએ એવી મહિલાઓને સંદેશો આપ્યો હતો કે આવી ઘટનાઓ સમયે હિંમત હારવાની જરૂર નથી.