પોતાના માટે ખુશીની ક્ષણો એકઠી કરવાની ઇચ્છા સૌને હોય છે - પછી તે પુરુષ હોય કે મહિલા. જોકે, અનેક વખત મહિલાઓને ઘર-પરિવાર કારર્કિર્દીની તમામ જવાબદારીને કારણે પોતાના માટે નવરાશ મળતી નથી. બની શકે છે કે કદાચ તમે તેનું મહત્ત્વ ન સમજતા હોવ, પરંતુ સાયન્સ સમજે છે. જો તમે પોતાના માટે સમય નથ ફાળવતા તો તેનાથી નેગેટિવ વિચારો વધે છે. આથી જ સારી મેન્ટલ હેલ્થ, એનર્જી અને સ્ટ્રેસ-ફ્રી રહેવા માટે ‘મી-ટાઇમ’ એટલે કે પોતાની સાથે સમય પસાર કરવો અત્યંત ફાયદાકારક છે.
એક રિસર્ચ અનુસાર યુવાન મહિલાઓ દરરોજ પોતાના સ્માર્ટફોન પાછળ લગભગ ૧૪૫ મિનિટ પસાર કરે છે. આ સમય તેમના પોતાના માટે હોય છે. સાઇકોલોજિસ્ટ જણાવે છે કે, તેમની પાસે કાઉન્સેલિંગ માટે એવી અનેક મહિલાઓ આવે છે જે પોતાના જીવન અને રોજિંદા કાર્યો અને પારિવારિક ઝઘડાઓ અંગે એટલી ચિંતિત રહે છે કે તણાવનો ભોગ બને છે. પરિણામે તેમના અંદર ચીડિયાપણું અને ગુસ્સો વધી જાય છે. આવી સમસ્યા નિવારવા જ મી-ટાઇમ કે શી-ટાઇમનું મહત્વ સમજવું જરૂરી છે. જેવી રીતે એક મહિલા પોતાના બાળકથી માંડીને પરિવારના તમામ સભ્યોનું ધ્યાન રાખે છે એ જ રીતે તેણે ખુદનું પણ એટલું જ ધ્યાન રાખવું જોઇએ.
નિષ્ણાતો કહે છે કે, જે રીતે તેમને પોતાની સાથે કનેક્ટ થવા માટે પણ ટાઇમ જોઇએ એ જ રીતે તેમણે બાળકોને પણ ટાઇમ આપવો જોઇએ. તેનાથી બાળકો બીજા સાથે ઇમોશનલી કનેક્ટ થશે. જો બાળક આખો દિવસ તમારી સાથે જ વીતાવશે તો તે ઇમોશનલી ડિપેન્ડન્ટ થઇ જશે, જે સારું નથી. આથી તમારા પોતાના માટે પણ ટાઇમ કાઢો અને બાળકને પણ થોડા સમય માટે પોતાનાથી દૂર રાખો. આ સમય તમને ખુદને ‘ચાર્જ’ કરવાની સારી તક આપી શકે છે.