મુંબઇઃ પચરંગી મહાનગરમાં વસતી ગુજરાતી યુવતી નેહલ ચૂડાસમાએ વર્ષ ૨૦૧૮નો મિસ દિવા યુનિવર્સ તાજ જીત્યો છે. હવે ૨૨ વર્ષીય નેહલ આગામી ડિસેમ્બરમાં બેંગકોકમાં યોજાનારી મિસ યુનિવર્સ બ્યુટી કોન્ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મુંબઇમાં ૩૧ ઓગસ્ટે એનએસસીઆઇ ડોમમાં યોજાયેલી શાનદાર ઇવેન્ટમાં તેણે સૌંદર્ય સ્પર્ધાનું આ પ્રતિષ્ઠિત ટાઇટલ જીત્યું હતું.
નેહલને મિસ દીવા યુનિવર્સ ૨૦૧૮નો ક્રાઉન ગત વર્ષ ૨૦૧૭ની વિજેતા મિસ યુનિવર્સ શ્રદ્ધા શશીધરે પહેરાવ્યો હતો. મિસ દીવા યુનિવર્સ એક એવું આયોજન છે જેમાં ભારતભરમાંથી અનેક સુંદર યુવતીઓ ભાગ લે છે અને વિજેતા સુંદરી આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધા મિસ યુનિવર્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. અદિતિ હુંડિયાને આ સ્પર્ધામાં મિસ દીવા યુનિવર્સ સુપર નેશનલનો ખિતાબ મળ્યો હતો. જ્યારે લખનઉની રોશની શિયોરેન સ્પર્ધામાં સેકન્ડ રનર-અપ જાહેર થઇ હતી. શુક્રવારે મોડી રાત્રે યોજાયેલી ઇવેન્ટમાં બોલિવૂડ એક્ટર સુશાંત રાજપૂતે વિજેતા તરીકે નેહલના નામની ઘોષણા કરી હતી.
વર્ષ ૨૦૦૦માં મિસ યુનિવર્સનો ખિતાબ જીતનારી લારા દત્તા ભૂપતિએ જણાવ્યું હતું કે આ એક શાનદાર પ્રવાસ હોય છે. અહીં હાજર દરેક યુવતી કોઇને કોઇ સ્તરે વિજેતા છે પરંતુ અંતે અમારે એક જ યુવતીને મિસ યુનિવર્સની દાવેદારી માટે પસંદ કરવી પડે છે. પેનલિસ્ટો માટે ૧૯ શાનદાર અને પ્રતિભાશાળી સુંદરીઓમાંથી કોઇ એકની પસંદગી કરવી ખૂબ જ અઘરી બની ગઇ હતી. હું તમામ વિજેતાઓને મારી શુભેચ્છા આપું છું અને મને આશા છે કે વિજેતા સુંદરી નેહલ મિસ યુનિવર્સની સ્પર્ધામાં પણ શાનદાર પર્ફોર્મન્સ આપશે.
હવે મિસ યુનિવર્સ પર નજર
નેહલે પ્રતિષ્ઠિત બ્યૂટી ટાઇટલ જીત્યા બાદ કહ્યું હતું કે હવે મારું સ્વપ્ન ભારત માટે મિસ યુનિવર્સનો ખિતાબ જીતવાનું છે. નેહલે જોકે કહ્યું હતું કે મિસ યુનિવર્સ સ્પર્ધા બાદ તે બોલિવૂડની ફિલ્મોમાં કામ નહીં કરે પણ સિવિલ સર્વિસસ એકઝામ માટેની તૈયારી શરૂ કરશે. નેહલ ઘણા વર્ષથી સૌંદર્ય સ્પર્ધા જીતવા માટે મહેનત કરી રહી હતી.
બિરિયાનીની શોખીન, માસ મીડિયામાં સ્નાતક
નેહલ ચૂડાસમાનો જન્મ ૨૨ ઓગસ્ટ ૧૯૯૬ના રોજ ગુજરાતમાં થયો છે. મોડેલિંગમાં રસ ધરાવતી નેહલ પોતે એક પ્રોફેશનલ ફિટનેસ ટ્રેનર છે તેથી પોતે પોતાના શરીરની ફિટનેસ માટે હંમેશાં સજાગ રહે છે. તેની મનપસંદ ફિલ્મ શાહરુખ ખાન અને આલિયા ભટ્ટ અભિનિત ‘ડિયર જિંદગી’ છે. જ્યારે તેનો માનીતો હીરો રણવીર સિંહ છે. તેની રોલ મોડલ અને પ્રેરણાસ્ત્રોત અભિનેત્રી પ્રિયંકા ચોપરા છે.
મુંબઇની સેન્ટ રોક્સ હાઇસ્કૂલમાંથી તેણે શિક્ષણ લઇને ઠાકુર કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સમાં માસ મીડિયામાં બેચલર ડિગ્રી મેળવી છે. તેણે પોતાની સફળતાનો શ્રેય પિતાને આપ્યો હતો. નેહલના પરિવારમાં માતા-પિતા, એક ભાઇ પ્રણય ચૂડાસમા અને એક નાની બહેન છે. તેની મનપસંદ વાનગી બિરિયાની છે. બ્યૂટી પેજન્ટમાં કારકિર્દીની શરૂઆત નેહલે વર્ષ ૨૦૧૩-૧૪માં કરી હતી.