સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની માટીમાં ઘણા પોષકતત્ત્વો જોવા મળે છે. એમાં પણ ચહેરાને સુંદર રાખવા માટે મુલ્તાની માટીનો ઘણો ઉપયોગ કરવામાં આવે છે. મુલ્તાની માટીને ખૂબ જ સારી કુદરતી બ્યૂટી પ્રોડકટ માનવામાં આવે છે. મુલ્તાની માટીનો નિયમિત ઉપયોગ કરવામાં આવે તો ત્વચા વર્ષો વર્ષ તાજગીભરી રહે છે. મુલ્તાની માટીના ઉપયોગથી ડેડ સ્કિન પણ સાફ થઈ જાય છે. મુલ્તાની માટીને ખૂબસૂરતીનો ખજાનો કહેવાય છે. મુસ્તાની માટીમાં રહેલું લોહતત્ત્વ, મેગ્નેશિયમ-કેલ્સિસાઈટ જેવા પ્રાકૃતિક તત્ત્વો ત્વચા માટે ખૂબ જ અસરકારક રહે છે. તમારી ત્વચા સદાય તાજગીસભર રહે તે માટે મુલ્તાની માટીના કેટલાક પ્રયોગ અહીં આપેલા છે.
• જો તમે ચહેરાના ડાઘ ધબ્બા અને ખીલથી પરેશાન હો તો મુલ્તાની માટીને પાણીમાં પલાળીને પેસ્ટ બનાવી લો અને ચહેરા પર આ પેસ્ટ લગાડો. પેસ્ટ સુકાઈ જાય એટલે તેને હળવા પાણીથી ધોઈ લો.
• ગુલાબજળને અને મુલ્તાની માટીમાં મિક્સ કરી લગાવવાથી ચહેરા પર નિખાર આવે છે.
• ફુદીનાના કેટલાક પાનને મિક્સરમાં વાટી લો. તેમાં થોડું દહીં મિકસ કરો અને આ પેસ્ટને મુલ્તાની માટીમાં મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરાના ડાઘ દૂર થઈ જશે.
• એક ચમચી મુલ્તાની માટી, એક ચમચી તુલસીના પાનને વાટીને બનાવેલો અર્ક અને એક ચમચી મલાઈ મિક્સ કરીને ચહેરા પર પાંચ મિનિટ મસાજ કરવાથી ચહેરો ખીલી ઉઠશે.
• એક ચમચી દહીંમાં એક ચમચી મુલ્તાની માટી મિક્સ કરીને તેનો લેપ ચહેરા પર લગાવો. આ લેપ સુકાઈ જાય ત્યારે હળવા ગરમ પાણીથી ચહેરો ધોઈ લો. ચહેરો નિખરી ઉઠશે અને ચહેરાના દાગ ધબ્બા પણ દૂર થઈ જશે.
• પપૈયાને મસળીને તેનો એક ચમચી જેટલો અર્ક બનાવો અને પછી તેમાં બે ટીંપા મધ અને મુલ્તાની માટી મિક્સ કરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ ચહેરા પર લગાવવાથી ચહેરો નિખરી જશે.
• બે ચમચી મુલ્તાની માટીમાં ટમેટાનો રસ અને ચંદન પાવડર મિક્સ કરો. જો એક્સ્ટ્રા ગ્લો જોઈએ તો તેમાં થોડી હળદર નાંખી આ પેસ્ટને ૧૦ મિનિટ સુધી લગાવીને અને પછી ચહેરો સાફ કરી લો.