વારે તહેવારે કે પ્રસંગે મહિલાઓ મેકઅપ લગાવતી હોય છે. કેટલીક યુવતીઓ કે મહિલાઓ રોજેરોજ મેકઅપ કરતી હોય છે. મેકઅપ પહેલાં ફાઉન્ડેશન અથવા પ્રાઈમરનો ઉપયોગ તેઓ કરે છે. બીબી અથવા સીસી ક્રીમ ચહેરા પર પ્રાઈમર તરીકે અવશ્ય લગાવે છે. પ્રાઈમરથી મેકઅપ લાંબો સમય ટકે છે અને મેકઅપ કિટના હાનિકારક કેમિકલ્સ સ્કિનને નુક્સાન પહોંચાડી શકતા નથી. ચહેરાને પ્રાઈમર નિખાર પણ આપે છે. બજારમાં પ્રાઈમર તરીકે વપરાતી પ્રોડક્ટ્સ ખૂબ જ મોંઘી મળે છે. આથી આજે અહીં ઘરે જ પ્રાઈમર બનાવવાની પદ્ધતિ દર્શાવવામાં આવી છે.
પ્રાઈમર બનાવવાની સામગ્રી
૧ ચમચી એલોવેરા જેલ
૧ ચમચી સનસ્ક્રીન લોશન (કોઈપણ કંપનીનું)
૧ ચમચી ફાઉન્ડેશન પાઉડર અથવા લોશન
ઉપર જણાવેલી સામગ્રીને એક એર ટાઈટ કંટેનરમાં લઈને બરાબર મિક્સ કરી લો. સ્મૂધ પેસ્ટ જેવું મિશ્રણ તૈયાર થવું જોઈએ. આ રીતે બની શકે છે ઘરે જ પ્રાઈમર.
આ રીતે પણ બની શકે પ્રાઈમર
• ૧ ચમચી ગ્લિસરીન
• અડધી ચમચી મોઈશ્ચરાઈઝર
• ૨ ચમચી ગુલાબજળ
• ૧ સ્પ્રે બોટલ
સૌથી પહેલાં ઉપર જણાવેલી સામગ્રીને એક બાઉલમાં બરાબર મિક્સ કરી લો અને પછી એક સ્પ્રે બોટલમાં ભરી દો. તમે આને ફ્રિઝમાં ૧ સપ્તાહ સુધી સ્ટોર કરી શકો છો. રોજ મેકઅપ લગાવતી માનુનીઓ માટે આ પ્રાઈમર ખૂબ જ ઉપયોગી, સસ્તુ, સહેલું અને ટકાઉ બની રહેશે.
પ્રાઈમરનો ઉપયોગ કેવી રીતે કરશો?
• પ્રાઈમર લગાવતાં પહેલાં ચહેરાને ફેસવોશથી સરખી રીતે સાફ કરો. ચહેરા પર સહેજ મોઈશ્ચરાઈઝર અને પછી થોડી સનસ્ક્રીન લગાવો.જો પ્રાઈમરમાં આ બંને ચીજોનો ઉપયોગ કર્યો હોય તો તેની માત્રા ઓછી રાખવી.
• સહેજ પ્રાઈમર લઈને તમારા આખા ફેસ પર લગાવી દો. પ્રાઈમર ચહેરા પર દરેક જગ્યાએ એક સરખું લાગવું જરૂરી છે.
• તમે તમારો મેકઅપ ફેસ પર લગાવી શકો છો. પ્રાઈમર પછી જો કદાચ મેકઅપ કરવાની ઈચ્છા ન હોય તો રોજ તમે માત્ર પ્રાઈમરને હળવા મેકઅપ તરીકે ઉપયોગમાં લઈ શકો છો.
પ્રાઈમર શા માટે?
• ઘરે બનતા પ્રાઈમરમાંથી કોઈ ચીજની તમને એલર્જી નથી તે ચેક કરી લેવું.
• મેકઅપ લગાવતા પહેલાં પ્રાઈમર લગાવવું જરૂરી છે
• પ્રાઈમર લગાવવાથી મેકઅપ પ્રોડક્ટની આડઅસરથી ત્વચાને દૂર રાખી શકાય છે અને ત્વચાને થતું નુક્સાન અટકાવી શકાય છે. પ્રાઈમરનો તમે રોજિંદો ઉપયોગ મેકઅપ તરીકે કરી શકો છો.