ફ્લોરિડાઃ મિસ યુનિવર્સ-૨૦૨૦નો તાજ મેક્સિકોની એડ્રિયા મેઝાના શિરે મૂકાયો છે. ફ્લોરિડામાં યોજાયેલી આ બ્યૂટી કોન્ટેસ્ટમાં મિસ ઈન્ડિયા એડલિન કેસ્ટીલિનો ચોથા ક્રમે આવી હતી. મિસ યુનિવર્સ-૨૦૨૦ની મોકુફ રખાયેલી સ્પર્ધા આખરે ૧૭ મેના રોજ યોજાઈ હતી, જેમાં ૭૩ દેશોની સુંદરીઓએ ભાગ લીધો હતો.
મિસ યુનિવર્સ-૨૦૨૦નો કાર્યક્રમ સામાન્ય રીતે વર્ષના અંતે થતો હોય છે, પરંતુ કોરોના મહામારીના કારણે ગયા વર્ષના અંતે કાર્યક્રમ મોકુફ રખાયો હતો. ફ્લોરિડાની સેમિનોલ હાર્ડ રોક હોટેલ એન્ડ કેસિનોમાં યોજાયેલી મિસ યુનિવર્સ-૨૦૨૦ની સ્પર્ધામાં મેક્સિકોની ૨૬ વર્ષની સુંદરી એન્ડ્રિયા મેઝા વિજેતા બની હતી. મિસ યુનિવર્સ-૨૦૧૯ જોજીબિની તુંબીએ એન્ડ્રિયાના શિરે તાજ પહેરાવ્યો હતો.
ગત વર્ષે કોન્ટેસ્ટ મોકુફ રહી હોવાથી આફ્રિકાની જોજીબિની તુંબી સૌથી વધુ સમય મિસ યુનિવર્સનો તાજ ધારણ કરનારી દુનિયાની પ્રથમ સુંદરી બની હતી. અત્યાર સુધી એક વર્ષ માટે તાજ મળતો હતો, પરંતુ ગત વર્ષે કાર્યક્રમ છ માસ માટે મોકુફ રખાયો હોવાથી જોજીબિની પાસે લગભગ દોઢેક વર્ષ સુધી તાજ રહ્યો હતો.
ભારતની એડલિન કેસ્ટીલિનો ચોથા ક્રમે રહી હતી. તે તાજ જીતી શકી ન હતી, પરંતુ પ્રશંસા ખૂબ મળી હતી. એડલિને મંચ પરથી કહ્યું હતું કે ભારતમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે તે ઝડપથી ઓછો થાય તેવી સૌ પ્રાર્થના કરજો. મ્યાંમારની સુંદરીએ પણ ધ્યાન ખેંચ્યું હતું. મ્યાંમારની સુંદરી થુજાર વિંટ લ્વિને પોસ્ટર હાથમાં લઈને કહ્યું હતું અમારા લોકો ફાયરિંગમાં મરી રહ્યા છે. પ્લીઝ મદદ કરો.
કોરોનાના સવાલનો જવાબ આપીને મેળવ્યો મિસ યુનિવર્સનો તાજ
સવાલ-જવાબના ફાઇનલ સેશનમાં મિસ મેક્સિકો એન્ડ્રિયાને પૂછવામાં આવ્યું હતું કે કોરોના મહામારી વખતે જો તમે કોઈ દેશના શાસક હોત તો કોરોનાને અટકાવવા શું કર્યું હોત? જવાબમાં એન્ડ્રિયાએ સ્માર્ટનેસ બતાવીને કહ્યું હતું કે આમ તો કોરોના સામે કોઈ બાબત અક્સિર નથી. કોઈ એક ઉપાયથી કોરોના અટકી શકે નહીં. પરંતુ મેં સમયસર લોકડાઉન કરીને હજારો લોકોની જિંદગી જરૂર બચાવી હોત. હું શરૂઆતથી જ કોરોના મહામારીને ગંભીરતાથી લઈને પૂરતા પ્રયાસો જરૂર કરત. આથી કોરોના ભલે ન રોકાત, પરંતુ હજારો જિંદગી બચાવી શકાઈ હોત.
આજના સમયમાં સુંદરતાની વ્યાખ્યા શું છે? આ સવાલના જવાબમાં એન્ડ્રિયાએ કહ્યું હતું કે આપણે હવે એવા સમાજમાં રહીએે છીએ કે જ્યાં સુંદરતા એટલે માત્ર વ્યક્તિનો બાહ્મ દેખાવ કેવો છે તે નહીં, પરંતુ હૃદય કેવું છે તે પણ મહત્વનું છે. દેખાવના આધારે સુંદરતા નક્કી કરવી તે માણસનું મૂલ્યાંકન કરવામાં ભૂલ ગણાશે. આ સવાલ-જવાબમાં તેને સૌથી વધુ પોઈન્ટ્સ મળ્યા હતા.
ક્રમ - નામ - દેશ
૧ - એન્ડ્રિયા મેઝા - મેક્સિકો
૨ - જુલિયા ગેમા - બ્રાઝિલ
૩ - જેનિકા મેકેટા - પેરુ
૪ - એડલિન કેસ્ટીલિનો - ભારત
૫ - મારિયા થાટ્ટી - ઓસ્ટ્રેલિયા
૬ - એસ્ટેફેનિયા સોટો - પ્યુર્ટોરિકો
૭ - એમેન્ડા ઓબડમ - કોસ્ટારિકા
૮ - કિમ્બર્લી જિમેન્ઝ - ડોમેનિકન રિપબ્લિક
૯ - મિશેલ વિલિયમ્સ - જમૈકા
૧૦ - રાબિયા માટેઓ - ફિલિપાઈન્સ