સ્ટોકહોમ: સ્વિડનનાં પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળીને ઇતિહાસ રચ્યાના ગણતરીના કલાકોમાં જ - ૨૪ નવેમ્બરે મેગ્દલિના એન્ડરસને હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું. કારણ એ હતું કે તેમણે વડા પ્રધાન પદ સંભાળ્યું તેની બંધારણીય કાયદેસરતા સામે સવાલ ઉઠાવાયા હતા. જોકે તેમણે રાજીનામું આપતી વેળા જ કહ્યું હતું કે હું ફરી એક વાર સ્વિડનની વડા પ્રધાન બનીશ. હું એવી સરકારનું નેતૃત્વ કરવા નથી ઈચ્છતી જેની બંધારણીય કાયદેસરતા સામે સવાલ ઊભા થયા હોય. મેગ્દલિનાએ પાંચ જ દિવસમાં તેમના દાવાને સાચો કરી દેખાડ્યો છે.
પ્રોફેસર પિતા અને ટીચર માતાના સંતાન મેગ્દલિના એન્ડરસનની છબિ સ્પષ્ટ વક્તાની છે. તેઓ પોતાને એક મહેનતુ મહિલા તરીકે ઓળખાવે છે, તો રાજકારણ સંકળાયેલા કેટલાક લોકો તેમને ‘બેફામ બોલનારા નેતા’ ગણાવે છે. મીડિયાએ પણ તેમને ‘બુલડોઝર’ ઉપનામ આપ્યું છે અને હવે તેઓ આ નામે જ ઓળખાય છે. તેમણે ૧૯૯૬માં તત્કાલીન વડા પ્રધાન ગોરાન પેરસોના સલાહકાર તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી ત્યાર પછી તેઓ સાત વર્ષ સુધી દેશના નાણાં પ્રધાન રહ્યા. વર્ષ ૨૦૨૦માં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના બોર્ડ ઓફ ગવર્નર્સના પોલિસી એડવાઈઝર કમિટીના વડા તરીકે પણ તેઓ ત્રણ વર્ષ સેવા આપી ચૂક્યા છે. આ હોદ્દે પહોંચનારા તેઓ પહેલાં સ્વિડિશ મહિલા છે. ગયા ઓગસ્ટમાં વડા પ્રધાન સ્ટિફન લોફવને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી કોંગ્રેસના વડાં તરીકે રાજીનામું આપી દીધું ત્યારથી તેઓ કાર્યકારી વડા પ્રધાન તરીકે સેવા આપતા હતા. બસ, તે સમયથી જ રાજકીય પંડિતો તેમને એક મજબૂત વડા પ્રધાન તરીકે જોતાં હતાં. છેવટે આ મહિનાની શરૂઆતમાં તેમને પાર્ટીએ પોતાના નેતા તરીકે પસંદ પણ કરી લીધા, અને હવે તેઓ દેશને મજબૂત નેતૃત્વ પૂરું પાડવા પ્રતિબદ્ધ છે.
૨૩ જાન્યુઆરી ૧૯૬૭ના રોજ જન્મેલા મેગ્દલિનાના પિતા ઉપસાલા યુનિવર્સિટીમાં સ્ટેટિસ્ટિક્સના પ્રોફેસર તરીકે કાર્યરત હતા તો માતા શિક્ષક તરીકે કાર્યરત હતા. મેગ્દલિનાએ સોશિયલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે, જ્યારે સ્ટોકહોમ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી ઇકોનોમિક્સમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે.