ન્યૂ યોર્કમાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ કોશ્ચ્યુમ ઇન્સ્ટિટ્યુટ માટે ભંડોળ એકત્ર કરવા મેટ ગાલા ઇવેન્ટનું આયોજન કરાયું હતું. તેના ભાગરૂપે યોજાયેલ ફેશન ઇવેન્ટમાં હોલિવૂડ અને બોલિવૂડની ગ્લેમરસ પર્સનાલિટીઓએ હાજરી આપી હતી. ભારતની પ્રિયંકા ચોપરા હવે હોલિવૂડમાં પણ જબરજસ્ત નામના મેળવી ચૂકી છે. બ્લેક ડ્રેસમાં તે રીતસરની બ્લેક કેટ લાગતી હતી. આ સિવાય અભિનેત્રી આલિયા ભટ્ટના મનમોહક અંદાજે પણ બધાને મુગ્ધ કર્યા હતા. કોરોનાના વેકસીનનું ઉત્પાદન કરીને જાણીતા બનેલા ભારતીય ઉદ્યોગપતિ અદર પૂનાવાલાના પત્ની નતાશા ખુદ પણ જાણીતી ફેશન ડિઝાઇનર હોવાથી આ પ્રકારના ઇવેન્ટમાં નિયમિત હાજરી આપતી હોય છે. તેણે એક ગ્લેમરસ ઇક્વેટોરિયલ ડ્રેસમાં પોતાની જાનદાર હાજરી નોંધાવી હતી. આ મેટ ગાલામાં સૌથી આશ્ચર્યજનક હાજરી હોય તો ભારતીય ઉદ્યોગજગતના યુવા ચહેરા ઈશા અંબાણીની હતી. આ પ્રકારના સમારંભમાં ભાગ્યે જ ભાગ લેતી ઈશા અંબાણી પહેલી જ વખત આ સમારંભમાં આવી હતી. તેણે બ્લેક રંગનો ગ્લેમરસ ડ્રેસ પહેર્યો હતો અને એકદમ ગૌરવશાળી તથા જાજરમાન લાગતી હતી. આ વખતના મેટ ગાલા ઇવેન્ટની થીમ હતીઃ ‘કાર્લ લાર્જરફિલ્ડઃ અ લાઈન ઓફ બ્યુટી’, જેમં વિખ્યાત ફેશન ડિઝાઇનર કાર્લ લાર્જરફિલ્ડના પ્રદાનને અંજલિ અપાઇ હતી.