વોશિંગ્ટન: હેડિંગ વાંચીને ભલે તમારા દિમાગમાં વિચાર ચમકી ગયો હોય કે આ કિસ્સો કોઇ પછાત દેશનો હશે, પણ વાત પશ્ચિમીજગતમાં મોખરાનું સ્થાન ધરાવતા અમેરિકાની છે. કાયદાની આંટીઘૂંટીને લગતાં અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. અમેરિકામાં પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ પોતે જીવિત હોવાનું સાબિત કરવા માટે એક-બે નહીં પરંતુ, 16 વર્ષ જેટલો લાંબો સંઘર્ષ કરવો પડ્યો છે.
એક રિપોર્ટ અનુસાર, મેડેલિન મિશેલ કાર્થેન નામની મહિલાને પોતે જીવિત હોવાનું સાબિત કરવા માટે અનેક વર્ષો સુધી લડાઈ લડવી પડી હતી. સેન્ટ લૂઈની રહેવાસી મેડલિનને 16 વર્ષ પહેલા અમેરિકન સરકારે ખોટો સોશિયલ સિક્યોરિટી નંબર ફાળવી દીધો હતો. બનવાકાળ આ નંબર કોઇ મૃત વ્યકિત સાથે જોડાયેલો હતો.
તંત્રની આ ગંભીર ભૂલના કારણે ગવર્મેન્ટના દસ્તાવેજોમાં તે મૃત સાબિત થઈ ગઈ હતી. 2007માં તે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેને સરકારની ગંભીર ભૂલની માહિતી મળી હતી. બીજી તરફ, સરકારે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે તેને આર્થિક સહાય આપવાનું નકારી દીધું હતું. મેડેલિનનો આરોપ છે કે, ભ્રષ્ટાચારને કારણે તેનું જીવન બરબાદ થઈ ગયું છે. તેને ઘર ખરીદવા માટે હોમલોન લેવી હતી પરંતુ સરકારી ચોપડે પોતે મૃત હોવાથી તેને લોન પણ મળતી નહોતી. તેની પાસે સરકારી આઇડેન્ટિટી ન હોવાથી કોઈ ખ્યાતનામ કંપની પણ તેને નોકરી આપવા તૈયાર નહતી. ઉલ્લેખનીય છે અમેરિકામાં દર વર્ષે મેડલિન જેવા 12 હજાર લોકોને મૃત ઘોષિત કરાય છે.