સરકાર દ્વારા સંચાલિત યરવાડાની રિજનલ મેન્ટલ હોસ્પિટલમાંથી સાજી થઈને પગભર થવા માગતી મહિલાઓને બ્યુટીશિયન બનવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. હોસ્પિટલમાં વિમેન્સ વિંગમાં એક બ્યુટીપાર્લર બનાવવામાં આવ્યું છે અને અહીં રિકવર થયેલી ત્રણ મહિલાઓને આઈબ્રો થ્રેડિંગથી લઈને વાળ ટ્રિમિંગ કરવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ કાર્ય યશસ્વી સામાજિક સંસ્થા અને NGOના મુખ્ય સારિકા મોરેના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલનાં ડો. ગીતા કુલકર્ણીએ કહ્યું કે, માનસિક બીમારીમાંથી સ્વસ્થ થયેલી જે મહિલાઓ ટ્રેનિંગ લઇ રહી છે તેઓ એકદમ સ્વસ્થ છે અને આ કોર્સ એન્જોય કરી રહી છે. કોરોનાને લીધે મેન્ટલ હોસ્પિટલમાં થતા કાર્યક્રમો બંધ કરી દેવામાં આવ્યા છે. દર્દીઓને સિલાઈકામ, પેપર બેગ અને સ્ટેશનરી આઇટમ્સની ટ્રેનિંગ પણ બંધ છે ત્યારે આ કાર્યક્રમ મહિલાઓને પગભર કરવા પ્રોત્સાહન આપે છે. ડો. અભિજીત ફડણવીસે કહ્યું કે, એક પાઇલટ પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને બ્યુટીશિયન ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. અન્ય એક NGO બાપુ ટ્રસ્ટની મદદથી હોસ્પિટલે હાલ સાત મહિલાઓનો પુનર્વાસ પણ કર્યો છે.