મિનેસોટાઃ અમેરિકાના મિનેસોટામાં રહેતી 71 વર્ષીય મહિલા મેરી સ્ટ્રેન્ડને 13 વર્ષ પહેલાં ખોવાઇ ગયેલી ડાયમંડ રિંગ મળી છે. વાસ્તવમાં 13 વર્ષ પહેલાં તેનાં લગ્નનાં 33 વર્ષ પૂર્ણ થવા પર તેના પતિએ તેને આ રિંગ ભેટમાં આપી હતી, પરંતુ સાઈઝમાં થોડી મોટી હોવાને કારણે એક દિવસ તે તેના હાથમાંથી સરકીને ટોઈલેટમાં પડી ગઈ હતી. મેરીને અફસોસ તો ભારે થયો, પણ થાય શું? દુઃખનું ઓસડ દહાડા એ ન્યાયે વાત વીસારે પડી. આ ઘટનાને વર્ષો વીતી ગયા, હવે તે વીંટી પાછી મળી છે. થોડા દિવસો પહેલાં શહેરના સફાઈ કામદારોને આ રિંગ મળી. તેમણે સત્તાવાળાઓને સોંપી. મેટ્રોપોલિટન ઓથોરિટીએ આ રિંગ મળવાની માહિતી જાહેર કરીને માલિકને શોધવા પ્રયાસ શરૂ કર્યા. અનેક લોકોએ દાવો કર્યો કે આ રિંગ તેમની છે, પરંતુ જૂની તસવીરો અને જ્વેલરની મદદથી તેના અસલી માલિકની ઓળખ થઈ હતી. જેમાં નક્કી થયું કે મેરી તેની અસલી માલિક છે. મેરી કહે છે કે મારી પુત્રીએ ટીવી ૫૨ આ રિંગ જોયા બાદ મને કહ્યું હતું. પહેલાં તો મને વિશ્વાસ જ ન થયો. જ્યારે રિંગ ખોવાઈ ગઈ ત્યારે મારા પતિએ પણ તેને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો પણ તે મળી ન હતી. તે સમયે બહુ જ અફસોસ થયો હતો. હવે 13 વર્ષ પછી આ રિંગ મેળવીને હું ખૂબ જ ખુશ છું.