મૈસૂરની રહેવાસી ૧૭ વર્ષીય દીપ્તિ ગણપતિ હેગડેએ છઠ્ઠા ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં નવભારત નિર્માણ ડોમેન અંતર્ગત પોતાની ખાસ ડિવાઈસ માટે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તે આ ફેસ્ટિવલમાં જીતનારી એક માત્ર મૈસૂરની છોકરી છે. તેને ઈનામના ભાગ સ્વરૂપે રૂ. ૨૫,૦૦૦ની રકમ મળી છે. આ ફેસ્ટિવલમાં ૪૫ વર્ષની ઉંમર સુધીના ૩૦૦૦ લોકોએ ભાગ લીધો હતો. દીપ્તિએ એક એવું ડિવાઈસ વિકસાવ્યું છે કે જે ગામડામાં રહેતી ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો, અને કાર્ડિયાક દર્દીઓનું ધ્યાન રાખવાનું કામ કરશે.
સ્માર્ટ બેન્ડ
દીપ્તિએ એક સ્માર્ટ બેન્ડ તરીકે આ મશીન વિકસાવ્યું છે. આ મશીનને કાંડાના ઉપરના ભાગે પહેરી શકાય છે. તે ૧૦ વિવિધ પેરામીટર્સને મેજર કરવાનું કામ કરે છે. તેમાં કોરોનાના લક્ષણ જેવા કે બેઝિક બોડી ટેમ્પરેચર, BPM, કફની સમસ્યા વગેરે અંગે જાણકારી મેળવી શકાય છે. આ બેન્ડને મોબાઈલ એપથી જોડી ડેટા પ્રાપ્ત કરી શકાય છે. જેને ક્લાઉડ સર્વિસની મદદથી મોકલવામાં આવે છે.
જો દર્દીની તબિયત અચાનક ખરાબ થઈ જાય તો તે પરિવારના સભ્ય, મિત્રો, ડોક્ટર્સ અને એમ્બ્યુલન્સને ઈમર્જન્સી અલર્ટ મોકલી શકે છે. તેનાથી યોગ્ય સમયે દર્દીની સારવાર કરીને તેનો જીવ બચાવી શકાય છે.
ગામડામાં સ્વાસ્થ્ય સુવિધા ઓછી
દીપ્તિએ કહ્યું કે, ગામડામાં રહેતા લોકોને શહેરમાં રહેતા લોકોની સરખામણીએ સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓ ઘણી ઓછી મળે છે. તેથી જરૂરી છે કે ગામડામાં હેલ્થ કેર સિસ્ટમને ડિજિટલાઈઝ્ડ કરવામાં આવે. દિપ્તીએ જે ડિવાઈસ બનાવ્યું છે, તે ઘણા ઓછા ચાર્જ પર ભાડેથી મળી શકે છે. તે ગર્ભવતી મહિલાઓની સંભાળના ૮-૯ મહિના સુધી તેમની સાથે પણ રહી શકે છે.