‘હું થોડા દિવસ પહેલાં મારા દીકરા સેન્ડીને લેવા સ્કૂલે ગઈ હતી. મને જોઈને જ એ વળગી પડ્યો. એની દોસ્તે પૂછ્યછયું કે તારે બે મમ્મી છે? એ બાળકીની માતાએ તેને સમજાવ્યું કે સેન્ડી સાથે રોજ આવે છે એ આયા છે અને આ તેની મમ્મી છે. આ સાંભળીને મને અપરાધભાવની લાગણી થઈ.’ ચર્ચિત લેખિકા એમ્મા રોઝેનબ્લમે પોતાની આ વાત કરી છે.
આ પ્રકારની મનોસ્થિતિ અનુભવનારી એમ્મા એકલી નથી. વાસ્તવમાં કામ કરતી મહિલાઓને ઘણી વાર એવું લાગતું હોય છે કે તેઓ સંતાનોને પૂરતો સમય આપી શકતી નથી. આ સ્થિતિને ‘મોમ ગિલ્ટ’ કહે છે. આ સ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવું! આવો, નિષ્ણાતો પાસેથી જાણીએ...
• બાળકો સાથે ક્વોલિટી ટાઇમ વિતાવો: બાળકો સાથે સમય વિતાવવાથી બોન્ડિંગ મજબૂત થાય છે. ‘ફરગેટ ઇટ ઓલ’ પુસ્તકનાં લેખિકા એમી વેસ્ટરવેલ્ટ કહે છે, વધુ સમય આપી શકતાં ન હો તો 45 મિનિટથી એક કલાકનો સમય આપવાનું નક્કી કરો.
• મનોરંજક પ્રવૃત્તિ કરો: શનિ-રવિ તો બાળકો માટે જ રાખો. આ બે દિવસમાં તમારા શોખમાં સંતાનોને પણ જોડો. દાખલા તરીકે પેઇન્ટિંગ કે લેખન કરતાં હોવ તો બાળકો સાતે મનોરંજક પ્રવૃત્તિની યોજના તૈયાર કરો. કોઈ રોમાંચક રમત પણ રમી શકો છો. નાસ્તો-ભોજન બાળકો સાથે જ કરો. ફરીથી જોડાવામાં અને ઊર્જાવાન થવામાં આ પ્રયાસો મદદરૂપ થાય છે.
• મૂલ્ય જાળવો: એકાએક પિકનિક પર નીકળી પડો. બાળકોના ચહેરા ચમકી જશે. સમાજશાસ્ત્રી કેથરીન એડિન કહે છે, ‘તેમને તૈયારી કરવાનું કહો. પુસ્તકો અને સ્પોર્ટ્સ આઇટમ પણ રાખો. બાળકોની સાથે આ રીતે સમય વિતાવવાથી આપણને વિચાર અને મૂલ્ય જાળવી રાખવાની તક મળે છે, જેને બાળકો પણ ગ્રહણ કરી શકે છે.’
• રજાઓ સાથે જ ગાળો: ઉનાળાની રજા હોય કે પછી લાંબા વીકએન્ડમાં પરિવાર સાથે ફરવા નીકળો. ક્યાં જવું છે, એ બાળકોને જ પૂછો. એક મજાના સ્થળ કે કેમ્પિંગ ટ્રીપમાં જઈ શકો છો. બાળકો આવી રજાઓ માટે ઉત્સાહિત હોય છે. કારણ કે તેમને ખબર હોય છે કે મા પાસે તેમની માટે વધારે સમય હશે.
• ઘરમાં સમાનતા રાખો: બધી જવાબદારી તમારી ઉપર ન લો. પાર્ટનર સાથે કામ વહેંચો. સ્કૂલ ટીચર સાથે ચર્ચા કરવી કે ફી ભરવા જેવાં કામ એને સોંપો. બાળકોને તમારી નોકરી વિશે જણાવો, તેનાથી તેમને વર્કિંગ હોવાનું મહત્ત્વ સમજાશે.