લંડનઃ હૃદયના ધબકારે તો જીવન ધબકતું હોય છે પરંતુ, તમારું જ હૃદય જો તમને શરીરની બહાર મ્યુઝિયમમાં રખાયેલી પારદર્શક જારમાં નિહાળવા મળે તો કેવું લાગે? જેનિફર સટનને તો જાણે હૃદય બહાર નીકળી આવશે તેવી લાગણી થઈ હતી કારણ કે તે પોતાનાં મૂળ હૃદયને 16 વર્ષ પછી નજરોનજર નિહાળી રહી હતી. તેની અંદર જે હૃદય ધબકતું હતું તે કોઈ અન્યનું હતું પરંતુ, જન્મથી 22 વર્ષ સાથસહકાર આપ્યો હોય તે હૃદય સાથેનો સંબંધ ભૂલી થોડો શકાય?
ઈંગ્લેન્ડના હેમ્પશાયરના રિંગવૂડની 38 વર્ષીય જેનિફર સટને તાજેતરમાં લંડનના હંટેરિઅન મ્યુઝિયમની મુલાકાત લીધી ત્યારે તેનું હૃદય ધબકારો ચૂકી જાય તેવી ઘટના બની હતી. આ મ્યુઝિયમમાં તેણે 16 વર્ષ અગાઉ સાથ છોડી દેનારું હૃદય નિહાળ્યું હતું. આ પછી જેનિફર કહ્યું હતું કે, ‘મેં મારી જિંદગીમાં અનેક ચીજવસ્તુ જારમાં મૂકાયેલી નિહાળી છે પરંતુ, આ ખરેખર મારું જ હૃદય છે જે વર્ષો સુધી મારાં શરીરમાં રહ્યું હતું તેવો વિચાર ખરેખર વિચિત્ર જ કહેવાય. તેણે મને 22 વર્ષ જીવતી રાખી હતી. આ તો સ્વપ્નમાં પણ ન વિચારી શકાય તેવી અવાસ્તવિક સ્થિતિ હતી! તે શરીરમાં હતું ત્યારે તેણે મને ઘણી પીડા અને કષ્ટ આપ્યાં હતાં અને હવે તે નિર્જીવ સ્નાયુનો ગઠ્ઠો હતું.’
વાત એમ છે કે 22 વર્ષની જેનિફર જ્યારે યુનિવર્સિટીમાં હતી ત્યારે થોડી કસરત કરવામાં પણ તે થાકી જતી હતી. તબીબી તપાસમાં જણાયું કે કે હૃદયની ચાર ચેમ્બર્સ સમય જતાં કડક થતી જાય અને શરીરમાં લોહીના પમ્પિંગને મર્યાદિત કરી નાખે તેવી રિસ્ટ્રિક્ટિવ કાર્ડિયોમાયોપથી નામની દુર્લભ ગણાતી બીમારીથી પીડાતી હતી. જેનિફર 13 વર્ષની હતી ત્યારે તેની માતાનું આ જ બીમારીના કારણે મૃત્યુ થયું હતું. જીવવા માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવવી જરૂરી હતી અને તેના માટે હૃદયદાન મળે તે જરૂરી હતું. બીજી તરફ, તેની હાલત વધુ ખરાબ થતી જતી હતી. જોકે, તેને છેક જૂન 2007માં ડોનર મેચ હૃદય મળી શક્યું હતું.
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયાં પછી જેનિફરે હૃદયની પરિસ્થિતિઓ અને ઓર્ગન ડોનેશન માટે જાગૃતિ કેળવવા માટે રોયલ કોલેજ ઓફ સર્જન્સને તેનું જન્મનું હૃદય ડિસ્પ્લેમાં રાખવા પરમિશન આપી હતી. જેનિફરે તેનાં હૃદયને વેલકમ કલેક્શન દ્વારા સૌપ્રથમ 2007માં ડિસ્પ્લેમાં મૂકાયું ત્યારે નિહાળ્યું હતું. આજે 38 વર્ષની વયે જેનિફર જરાય થાક્યાં વિના કામકાજ કરી શકે તેવી સ્વસ્થ છે અને સૌથી સુંદર ભેટ આપવા બદલ અંગદાતાનો આભાર માને છે.