વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેને ભારતવંશી નીરા ટંડનને પોતાની ટીમમાં મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. જો બાઇડેન દ્વારા કેબિનેટ માટે પસંદ કરવામાં આવેલ નીરા ટંડનને વ્હાઇટ હાઉસની વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્તિ કરવામાં આવ્યાં છે. આ અગાઉ પણ જો બાઇડેન દ્વારા તેમની મેનેજમેન્ટ એન્ડ બજેટ ઓફિસનું નેતૃત્વ કરવાની કામગીરી માટે પસંદ કરવામાં આવી હતી. જોકે વિરોધના પગલે ગયા માર્ચમાં નીરા ટંડને નોમિનેશન પાછું ખેંચી લીધું હતું.
સેન્ટર ફોર અમેરિકા પ્રોગ્રેસ (સીએપી)ના સંસ્થાપક જોન પોડેસ્ટાએ જણાવ્યું હતું કે બાઇડેને નીરા ટંડનને એક મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. નીરા પોતાની બુદ્ધિમત્તા, મહેનત અને રાજનૈતિક દૃષ્ટિકોણથી બાઇડેન તંત્ર માટે અત્યંત મૂલ્યવાન સાબિત થશે. ઉલ્લેખનીય છે કે નીરાને પોતાનું નોમિનેશન પરત ખેંચવાની ફરજ પડી ત્યારે જ બાઇડેને કહ્યું હતું કે હું નીરાના અનુભવ, કૌશલ્ય અને વિચારોનું સન્માન કરું છું અને ઇચ્છું છું કે મારા તંત્રમાં તેમની કોઈ ભૂમિકા હોય.
જો બાઇડેનના તે નિવેદન બાદ હવે નીરા ટંડનને તેમની ટીમમાં મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર અગાઉ કરવામાં આવેલી અનેક વિવાદાસ્પદ પોસ્ટના કારણે નીરાએ ડેમોક્રેટિક અને રિપબ્લિકન સેનેટરો તરફથી ભારે વિરોધનો સામનો કરવો પડયો હતો. તેમણે પોતાના જ પક્ષના ઘણા સાંસદો વિરુદ્ધ ટ્વિટ કરી હતી.