ન્યૂ યોર્ક: આપબળે આગળ વધેલી અમેરિકાની ટોપ-100 મહિલા ધનિકોની યાદીમાં ઇન્દ્રા નૂયી અને જયશ્રી ઉલ્લાલ સહિત ચાર ભારતીય મૂળની મહિલાઓને સ્થાન મેળવ્યું છે. તમામની સંયુક્ત નેટવર્થ ૪.૦૬ બિલિયન ડોલર છે.
‘ફોર્બ્સ’ મેગેઝિને જાહેર કરેલી યાદી અનુસાર કમ્પ્યુટર નેટવર્કિંગ ફર્મ અરિસ્તા નેટવર્ક્સના પ્રેસિડેન્ટ અને સીઇઓ જયશ્રી ઉલ્લાલ, આઇટી કન્સલ્ટિંગ અને આઉટસોર્સિંગ કંપની સિન્ટેલના નીરજા સેઠી, ક્લાઉડ કંપની કોફ્લુઅન્ટના સહસ્થાપક અને ભૂતપૂર્વ ચીફ ટેક્નોલોજી ઓફિસર નેહા નારખેડે અને પેપ્સિકોના ભૂતપૂર્વ ચેરમેન અને સીઇઓ ઇન્દ્રા નૂયીનો સમાવેશ કરાયો છે.
‘ફોર્બ્સ’ મેગેઝિને ગયા મહિને નવમી વાર્ષિક યાદી જાહેર કરી હતી. જેમાં કહ્યું હતું કે, ‘શેરબજારમાં ઉછાળાને પગલે તેમની સંયુક્ત સંપત્તિ અગાઉના વર્ષની તુલનામાં ૧૨ ટકા વધીને 124 બિલિયન ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી છે.’
ફોર્બ્સની યાદીમાં ઉલ્લાલ 15મા ક્રમે છે. તેમની નેટવર્થ 2.4 બિલિયન ડોલર છે. તે 2008થી અરિસ્તા નેટવર્ક્સના પ્રેસિડેન્ટ અને સીઇઓ તરીકે કાર્યરત છે અને કંપનીના લગભગ 2.4 ટકા શેર્સ ધરાવે છે.
અરિસ્તાએ 2022માં લગભગ 4.4 બિલિયન ડોલરની આવક મેળવી હતી. તે ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપની સ્નોફ્લેકના બોર્ડ ઓફ ડિરેક્ટર પણ છે. કંપની સપ્ટેમ્બર 2020માં પબ્લિક લિમિટેડ બની હતી. તેમની વય 62 વર્ષ છે અને તેમણે સાન ફ્રાન્સિસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને સેન્ટા ક્લેરા યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો.
‘ફોર્બ્સ’ની યાદીમાં 25મું સ્થાન મેળવનારા 28 વર્ષના નીરજા સેઠી અને તેમના પતિ ભરત દેસાઈની કંપની સિન્ટેલને ફ્રાન્સની આઇટી કંપની એટોસ એસઇ દ્વારા ઓક્ટોબર 2018માં 3.4 બિલિયન ડોલરમાં હસ્તગત કરવામાં આવી હતી. નીરજા સેઠીને તેમના હિસ્સા માટે 51 કરોડ ડોલર મળ્યા હતા. સેઠીએ દિલ્હી યુનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ કર્યો હતો. જ્યારે ઓકલેન્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી છે.
‘ફોર્બ્સ’ના લિસ્ટમાં 50મા સ્થાને આવેલા નેહા નારખેડેની નેટવર્થ 52 કરોડ ડોલર છે. લિંક્ડઇનના સોફ્ટવેર એન્જિનિયર તરીકે તેમણે ઓપન સોર્સ મેસેજિંગ સિસ્ટમ અપાચે કાફ્તા ડેવલપ કરવામાં મદદ કરી હતી. 2014માં તેમણે અને લિંક્ડઇનના બે એક્ઝિક્યુટિવ્સે લિંક્ડઇન છોડી ‘કોન્ફ્લુઅન્ટ’ની સ્થાપના કરી હતી. તે અપાચે કાફ્તા પર જંગી ડેટાના પ્રોસેસિંગમાં કંપનીઓને મદદ કરે છે. 2022માં કંપનીની આવક 58.6 કરોડ ડોલર હતી. તેણે જૂન 2021માં 9.1 બિલિયન ડોલરના વેલ્યુએશનને આધારે આઇપીઓ કર્યો હતો. નેહા નારખેડે તેમાં છ ટકા હિસ્સો ધરાવે છે.
ઇન્દ્રા નૂયીના મોટા ભાગના લોકો પરિચિત છે. પેપ્સિકોના ભૂતપૂર્વ ચેરપર્સન અને સીઇઓ નૂયી કંપનીમાં 24 વર્ષના કાર્યકાળ પછી 2019માં નિવૃત્ત થયા છે. 67 વર્ષનાં નૂયીની નેટવર્થ 35 કરોડ ડોલર છે અને ‘ફોર્બ્સ’ની યાદીમાં 77મા સ્થાને છે. 2006માં તેમને કોર્પોરેટ અમેરિકાના ગણતરીના મહિલા સીઇઓમાં સ્થાન મળ્યું હતું.