અમેરિકાની કોમ્પ્યુટર ઇન્ફર્મેશન સિસ્ટમની વિદ્યાર્થિની ધ્રુવી પટેલે ‘મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2024’નો તાજ જીત્યો છે. આ સિદ્ધિથી ખૂબ જ ખુશ અને ઉત્સાહિત ધ્રુવી હવે બોલિવૂડમાં કામ કરવા માગે છે તો યુનિસેફની એમ્બેસેડર બનવા પણ તત્પર છે. ટાઇટલ જીત્યા બાદ ધ્રુવીએ જણાવ્યું હતું કે ‘મિસ ઇંડિયા વર્લ્ડવાઇડમાં જીત બહુ મોટું સન્માન છે. તે મારા વારસા અને મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. તે વૈશ્વિક સ્તરે અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડવાની તક આપે છે. આ સ્પર્ધામાં સુરીનામની લિસા અબ્દોએલહકને ફર્સ્ટ રનર-અપ જ્યારે નેધરલેન્ડ્સની માલવિકા શર્માને સેકન્ડ રનર-અપ જાહેર કરવામાં આવી હતી. જ્યારે ટીનએજ કેટેગરીમાં ગુઆડેલપની સિયેરા સુરેતને ‘મિસ ટીન ઇંડિયા વર્લ્ડવાઇડ’ જાહેર કરાઇ હતી. આ ભારત બહાર સૌથી લાંબી ચાલતી ભારતીય સ્પર્ધા છે, જેનું આયોજન ન્યૂ યોર્કની ઇંડિયા ફેસ્ટિવ કમિટી દ્વારા કરવામાં આવે છે.