અમેરિકામાં પાંચ ભારતવંશી મહિલાએ ફાઇનાન્સિયલ સેક્ટરમાં આપેલા પ્રદાનની વિશ્વસ્તરે નોંધ લેવાઇ છે. આ ક્ષેત્રે પ્રશંસનીય યોગદાન બદલ આ ભારતવંશી નારીરત્નોએ યુએસ ફાઇનાન્સની 100 સૌથી પ્રભાવશાળી મહિલાની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ યાદી વિખ્યાત અખબાર ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ના સાથી પ્રકાશન ‘બેરોન્સ’ મેગેઝિન દ્વારા તૈયાર કરાઇ છે. આ ભારતવંશી મહિલાઓમાં પણ બે તો ગુજરાતી છે.
ટોપ-100માં સ્થાન મેળવનારાં ભારતવંશી રત્નોમાં અનુ આયંગર (જેપી મોર્ગન), રૂપલ ભણસાલી (એરિયલ ઇન્વેસ્ટમેન્ટ), સોનલ દેસાઇ (ફ્રેન્કલીન ટેમ્પલટન), મીના ફિલન (ગોલ્ડમેન સાક્સ) અને સવિતા સુબ્રમણ્યમ્ (બેંક ઓફ અમેરિકા)નો સમાવેશ થાય છે.
• અનુ આયંગર: અનુ વિશે મેગેઝિને લખ્યું છે કે તેમણે 2020થી ડિવિઝનના સહપ્રમુખ તરીકે સેવા આપ્યા બાદ જાન્યુઆરીમાં જેપી મોર્ગનમાં મર્જર-એક્વિઝિશનના ગ્લોબલ હેડની ભૂમિકા સુપેરે નિભાવી છે.
• રૂપલ ભણસાલી: 55 વર્ષનાં રૂપલ ભણસાલી એરિયલ ઇન્વેસ્ટમેન્ટ્સના ગ્લોબલ ઇક્વિટી સ્ટ્રેટેજીના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર અને પોર્ટફોલિયો મેનેજર છે. ફાઇનાન્સ ક્ષેત્રે આગવી નામના ધરાવતા રૂપલ ભણસાલી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં પણ સ્થાન ધરાવે છે.
• સોનલ દેસાઈ: તેમણે 2018માં ફ્રેન્કલીન ટેમ્પલટન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફંડના પ્રથમ મહિલા ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર બનીને ઇતિહાસ સર્જ્યો હતો. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) ઉપરાંત વિખ્યાત કંપનીઓમાં તેઓ ટોચના હોદ્દા પર કામ કરી ચૂક્યા છે.
• મીના ફિલન: 45 વર્ષીય મીના ગોલ્ડમેન સાક્સ ગ્રૂપમાં ગ્લોબલ પ્રાઇવેટ વેલ્થ મેનેજમેન્ટના કો-હેડ છે. 1999માં જેપી મોર્ગનમાં જોડાયા બાદ એક વર્ષમાં ગોલ્ડમેન સાક્સમાં જોડાયાં. 2014માં પાર્ટનર બન્યાં, અને આજે ગ્રૂપમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
• સવિતા સુબ્રમણ્યમ્: 50 વર્ષનાં સવિતા સુબ્રમણ્યમ્ બેંક ઓફ અમેરિકામાં અમેરિકન ઇક્વિટી, ક્વોન્ટિટેટિવ સ્ટ્રેટેજી હેડ છે. તેઓ ભૂતકાળમાં અનેક કંપનીઓમાં ચાવીરૂપ હોદ્દાઓ પર કાર્યભાર સંભાળી ચૂક્યા છે.