વોશિંગ્ટન: અમેરિકામાં આયા એટલી મોંઘી થઈ ગઈ છે કે બાળકોની દેખરેખ માટે મહિલાઓએ નોકરી છોડવી પડી રહી છે. અનેક મહિલાઓ તો મહામારી ખતમ થયા બાદથી કામે જ જઈ શકી નથી. ખરેખર અહીં અચાનક 80 હજાર ટ્રેઈની નેની (આયા)ની અછત સર્જાઇ છે. તેનો ફાયદો કંપનીએ ઉઠાવ્યો અને અમેરિકાના શહેરી વિસ્તારોમાં ખાસ કરીને એ વિસ્તારોમાં જ્યાં આર્થિક રીતે સમૃદ્ધ લોકો રહે છે ત્યાં ચાઈલ્ડ કેર સેન્ટર શરૂ કર્યા. અહીં તે લોકો કોલેજોની ફીથી વધુ પૈસા વસૂલી રહ્યા છે.
ચાઈલ્ડ કેર કંપની બ્રાઈટ હોરિઝાઇન્સ સિએટલમાં કિન્ડર કેર માટે વાર્ષિક 36 લાખ રૂપિયા તો મેનહેટ્ટનમાં 33 લાખ રૂપિયા વસૂલાઈ રહ્યા છે. વર્ષમાં અમેરિકામાં 50 નવી ચાઈલ્ડ કેર ચેઈન્સ ખુલી ગઈ છે. વીમા કંપની કેપિટામાં ચાઈલ્ડ કેર એક્સપર્ટ તરીકે ફરજ બજાવતા ઈલિયટ હોસપેલ કહે છે કે અમેરિકામાં બાળકોની દેખરેખ હવે લક્ઝરી બની ગઈ છે. મધ્યમ વર્ગ અને નીચલો મધ્યમ વર્ગ તેનો ખર્ચ વહન કરી શકે તેમ નથી. અને તેમને જ તેની સૌથી વધુ જરૂર પણ છે કેમ કે સામાન્ય રીતે પતિ-પત્ની બંને નોકરી કરતા હોય છે.
નવા ચાઇલ્ડ કેર સેન્ટર ગામડા અને શહેરના બાહ્ય વિસ્તારોમાં ખોલાતા નથી. હાલના સમયે અમેરિકામાં એકથી પાંચ વર્ષ સુધીના 1.20 કરોડ બાળકોને આયાની જરૂર છે પણ ચાઈલ્ડ કેર કંપનીઓ સમૃદ્ધ પરિવારોના ફક્ત 10 લાખ બાળકોની જ દેખરેખ કરી રહી છે. કોમ્યુનિટી ચાઈલ્ડ કેર સેન્ટર આયા ન મળવાને કારણે ઠપ થઈ ગયા છે કેમ કે મોટી કંપનીઓ વધુ પગારે આયાને હાયર કરે છે. કોમ્યુનિટી સેન્ટરમાં આયાનો સરેરાશ પગાર 1200 રૂ. પ્રતિ કલાક હતો.
ચાઈલ્ડ કેર કંપનીઓએ બિલ અટકાવ્યું
સરકાર જાણે છે કે અમેરિકામાં બાળકોનો ઉછેર કોરોના બાદ મોંઘો થઈ ગયું છે. એટલા માટે રાષ્ટ્રપતિ જો બાઈડેન એડમિનિસ્ટ્રેશન બિલ્ડ બેક બેટર બિલ લાવ્યું પણ ચાઈલ્ડ કેર કંપનીઓએ લોબી બનાવી આ બિલને કાયદો ન બનવા દીધું. આ બિલમાં પરિવારની આવકના હિસાબે ચાઈલ્ડ કેરનો ખર્ચ નક્કી કરતી જોગવાઇ હતી.