લંડનઃ બ્રિટનની ટોચની યાદીમાં આવતા બિઝનેસીસ દ્વારા લૈંગિક અસમાનતા કે પૂર્વગ્રહ દૂર કરવાના લક્ષ્યમાં આગેકૂચ કરી છે પરંતુ, બિઝનેસીસ કે કોર્પોરેટ્સમાં મહિલા અધ્યક્ષો, ચીફ એક્ઝિક્યુટિવ્ઝ અને ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર જેવાં મહત્ત્વપૂર્ણ અને સીનિયર હોદ્દાઓ પર તેમનું સ્થાન નગણ્ય છે.
ક્રેનફિલ્ડ સ્કૂલ ઓફ મેનેજમેન્ટના અભ્યાસ મુજબ FTSE ૧૦૦ કંપનીઝના બોર્ડ્સ પર મહિલાઓનું પ્રમાણ અત્યાર સુધીમાં સૌથી વધારે છે પરંતુ, પૂરતા પ્રમાણમાં મહિલા અધ્યક્ષો, ચીફ એક્ઝિક્યુટિવ્ઝ અને ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર હોવાનો અભાવ આજે પણ છે. EY દ્વારા સ્પોન્સર કરાયેલા અને ૨૦ જુલાઈ સુધીના ૧૨ મહિનાને આવરી લેતા રિપોર્ટ મુજબ યુકેની ટોપ ૧૦૦ કંપનીઓથી માત્ર આઠ કંપનીના સીઈઓ તરીકે મહિલા છે. ક્રેનફિલ્ડનો પ્રથમ અભ્યાસ ૧૯૯૯માં પ્રસિદ્ધ થયાં પછી મહિલા FTSE બોર્ડ સ્થાન અંગે આ સૌથી વધુ આંકડો છે.
હેમ્પટન- એલેકઝાન્ડર રિવ્યૂ પછી FTSE ૩૫૦ કંપનીઓના વ્યાપક જૂથમાં તમામ બોર્ડ્સમાં ૩૩ ટકા મહિલાને સ્થાન આપવાના વોલન્ટરી લક્ષ્યને પાર કરી દેવાયું છે. FTSE ૧૦૦ કંપનીઝ પરની સૌથી મોટી ૧૦૦ કંપનીઓમાં આ પ્રમાણ ૩૮ ટકા તેમજ FTSE ૨૫૦ કંપનીઓમાં આ પ્રમાણ ૩૫ ટકાનું છે. FTSE ૧૦૦ કંપનીઝમાં ડ્રિન્ક્સ ગ્રૂપ ડિઆજીઓ સૌથી પ્રથમ છે જ્યાં ૬૦ ટકા બોર્ડ પોઝિશન્સ પર મહિલાઓ છે. બોર્ડ પોઝિશન્સ પર માત્ર ૧૭ ટકા મહિલા સાથે ઓનલાઈન ગ્રોસર ઓકાડો કંપની સૌથી પાછળ છે.
FTSE ૧૦૦ બોર્ડ્સમાં મહિલા નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સનું પ્રમાણ સૌથી વધુ ૪૪ ટકા છે જેમાં ૧૪ ટકા મહિલા અધ્યક્ષપદે, ૨૫ ટકા સીનિયર સ્વતંત્ર ડાયરેક્ટર અને ૩૫ ટકા મહિલા બોર્ડ કમિટીઝની અધ્યક્ષા છે. જોકે, મહિલા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સનું પ્રમાણ સતત બીજા વર્ષે ૧૩.૭ ટકા છે જ્યારે FTSE ૨૫૦ માટે આ પ્રમાણ ૧૧.૩ ટકા રહ્યું છે. યુકેની ટોપ લિસ્ટેડ ૧૦૦ કંપનીઝમાં ૨૭ કંપનીમાં ૩૧ મહિલા એક્ઝિક્યુટિવ ભૂમિકા છે જેમાંથી આઠ ચીફ એક્ઝિક્યુટિવ છે અને ૧૫ ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર અથવા ફાઈનાન્સ ડાયરેક્ટર્સ છે.