યુનાઈટેડ કિંગ્ડમની બેકેહ સ્ટોનફોક્સની કળા હાલમાં સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે. ૪૫ વર્ષીય બેકેહ કાગળના નાના-નાના ટુકડાઓનો ઉપયોગ કરીને આર્ટિસ્ટિક ક્રાફ્ટ તૈયાર કરે છે. તેણે આ રીતે કેટલાય લોકોનાં ચહેરાનું ક્રાફ્ટ તૈયાર કર્યું છે. જોકે આ પોટ્રેટ આર્ટ તે ઘણા લાંબા સમયથી કરી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં તે ખૂબ પ્રખ્યાત બની છે. બેકેહ કાગળની ક્લિપિંગ્સની ચોટલી ગૂંથીને કોઈ પણ ચહેરો અથવા આકૃતિ બનાવી શકે છે. રંગીન કાગળથી બનેલા બેકેહના પોટ્રેટ આર્ટની ખાસિયત એ છે કે તેની કૃતિઓ દિવસના ઓછા-વત્તા પ્રકાશ પ્રમાણે - સૂર્યપ્રકાશ પ્રમાણે રંગ બદલે છે. બેકેહની કૃતિઓની ખાસિયત એ છે કે તે થ્રીડી ટેક્નોલોજીથી પ્રેરિત છે. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની તીવ્રતાને આધારે આર્ટ પોતાનો રંગ બદલે છે. તેમાં ક્યારેક શાઈનિંગ તો ક્યારેક હળવા રંગ જોવા મળે છે.
બેકેહના આર્ટ કલેક્શનમાં કાલ્પનિક હ્યુમન કેરેક્ટરથી લઈને પ્રાણીઓનો સમાવેશ થાય છે. બેકેહની કળા જોઈને લાગે કે હમણા આ કલાકૃતિઓ જીવંત થઈને બોલી ઉઠશે. કૃતિઓ માટે બેકેહ સ્ટોનફોક્સ કાગળની ક્લિપિંગ્સની ચોટલી ગૂંથીને આકૃતિ બનાવે છે. સ્ટોનફોક્સના મતે દુનિયામાં એવું કાંઈ નથી જે તેના આર્ટથી ન બનાવી શકે. બેકેહે પુરુષ અને પ્રાણીઓની આકૃતિઓ તો બનાવી જ છે, પણ તેની વિભિન્ન પોઝ ધરાવતી મહિલાઓની આકૃતિ ખૂબ જ વખણાઈ રહી છે.