રાણી આબાક્કા ચૌટાનું નામ સાંભળ્યું છે?
આબાક્કા યુરોપિયન સંસ્થાનવાદીઓ સામે લડત ચલાવનારી પ્રથમ સ્ત્રી સ્વતંત્રતા સેનાની હતી. એણે કુનેહ અને કોઠાસૂઝથી પોર્ટુગીઝોને હરાવેલા. પોતાના નિર્ભિક સ્વભાવને કારણે અભયારાણીનું બિરૂદ મળેલું એને!
રાણીની જીવનકથા વીરતાની જ કહાણી છે. એ મૂળ દિગંબર જૈન સંપ્રદાયની. બારમી સદીમાં રાણીના પૂર્વજો ગુજરાતથી સ્થળાંતર કરીને મેંગલોર જઈ વસેલા. મેંગલોરથી દસ કિલોમીટરના અંતરે કર્ણાટકના દરિયાકિનારે પ્રાચીન બંદર ઉલ્લાલ આવેલું. ઉલ્લાલમાં ચૌટા રાજવંશના તિરુમાલા રાય ત્રીજાનું શાસન હતું. ચૌટા રાજવંશમાં માતૃમૂલક વંશપરંપરાથી રાજગાદીનો વારસ નીમાતો. રાજમુગટ તો માતૃવંશના પુરુષને માથે જ મુકાતો, પણ જે રાજા હોય તેની બહેનનો દીકરો સિંહાસનનો વારસદાર બનતો. તિરુમાલારાયની બહેનને દીકરો નહોતો. એથી બહેનની દીકરી આબાક્કાને રાજાએ રાજકુળની પરંપરાઓની તાલીમ આપી. ઉંમરલાયક થયેલી આબાક્કાના વિવાહ મેંગલોરના રાજા લક્ષમ્પ્પા બંગરાજ સાથે થયાં. માતૃમૂલક સમાજની પરંપરા પ્રમાણે આબાક્કા લગ્ન પછી પોતાના પિયરમાં જ રહી. આબાક્કાને પોર્ટુગીઝો સામે ઝૂકવાનું મંજૂર નહોતું. પરંતુ લક્ષમ્પ્પા પોર્ટુગીઝો સાથે સમાધાન કરવાને પક્ષે હતો. પરિણામે દાંપત્યમાં તિરાડ પડી. લક્ષમ્પ્પા પોર્ટુગીઝો સાથે ભળી ગયો. પરંતુ રાણીનો રાજમંત્ર હતો: રાજ્ય પહેલું, બીજું બધું પછી!
રાણીએ ૧૫૪૪થી ૧૫૮૨ સુધી ઉલ્લાલ પર રાજ કર્યું. પોર્ટુગીઝોએ રાણીના જહાજોને વેપાર માટે અરેબિયાની દરિયાઈ સફર ખેડવા પર પ્રતિબંધ મૂકેલો. રાણીએ કાલિકટના ઝામોરિનની મદદથી તેજાના અને કાપડનો વ્યાપાર શરૂ કર્યો. પોર્ટુગીઝો લગાતાર રાણીનાં જહાજો પર હુમલા કરતા હોવા છતાં, સમુદ્રકાંઠાની રાણીએ પોર્ટુગીઝોને ખંડણી ચૂકવવાનો ધરાર ઇનકાર કરી દીધો.
પોર્ટુગીઝોએ એડમિરલ ડોન અલ્વારો દા સિલ્વેરિયાને રાણીને પાઠ ભણાવવા મોકલ્યો. રાણીએ પોર્ટુગીઝોને પાછા ધકેલ્યા. પોર્ટુગીઝોએ ૧૫૬૭માં જનરલ જોઓ પિક્ષોટોના નેતૃત્વમાં ઉલ્લાલ પર આક્રમણ કર્યું અને વિજયી થયા. ઉલ્લાલ અને રાજમહેલ પર કબજો કર્યો. ‘સિંહ ક્યારેય ઘાસ ન ખાય’ની નીતિ મુજબ રાણી શરણે ન થઇ. રાણીએ મસ્જિદમાં આશ્રય લીધો. એ રાત્રે ૨૦૦ સૈનિકોને એકત્ર કરીને તેણે જનરલ જોઓ પિક્ષોટો પર હુમલો કર્યો. જનરલ અને ૭૦ પોર્ટુગીઝ સિપાહીઓનાં ઢીમ ઢાળી દીધાં.આક્રમણખોરો પોતાના જહાજ તરફ દોડ્યા. રાણીએ પીછો કર્યો અને જે હાથમાં આવ્યા તેમને મોતને ઘાટ ઉતાર્યા. એવું કહેવાય છે કે તે અગ્નિબાણ ચલાવવામાં પારંગત હતી અને પોર્ટુગીઝો સામે તેણે અગ્નિબાણ વરસાવેલાં પણ ખરાં!
આબાક્કાએ ૧૫૭૦માં પોર્ટુગીઝો વિરુદ્ધ બીજાપુર અને અહમદનગરના સુલતાન તથા કાલિકટના ઝામોરિન સાથે સંધિ કરી. જોકે ૧૫૮૨માં ગોવાના વાઈસરોય એન્થની ડી’ નોરોનાએ વિશાળ સૈન્ય સાથે ઉલ્લાલ પર હુમલો કર્યો. દંતકથા મુજબ, રાણી અને તેના યોદ્ધાઓએ દુશ્મનોને પાછા દરિયા ભણી ધકેલ્યા, પણ ઉલ્લાલ હુમલા સામે ટકી ન શક્યું. રાણી આબાક્કા લડતાં લડતાં શહીદ થઇ ગઈ.
ભારતના ગૌરવસમી રાણી આબાક્કા વિદેશી વસાહતવાદ વિરુદ્ધ પ્રથમ સ્ત્રી સ્વતંત્રતા સેનાનીરૂપે ભારતની આઝાદીના આકાશમાં સૂર્ય બનીને ઝળહળી એમ કહીએ તો કાંઈ ખોટું નથી!